• શુક્રવાર, 22 મે, 2026

રિટેઈલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલ ન આપવાનો પરિપત્ર

ભુજ, તા. 21 : વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો અવિરત જળવાઈ રહે તે હેતુથી કચ્છ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનાં અધ્યક્ષસ્થાને એક મહત્ત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ બેઠકમાં ઓઇલ માર્કાટિંગ કંપનીઓ, ફિલ્ડ ઓફિસર્સ, એસ.ટી. વિભાગ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારુ વિતરણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે, હાલમાં કન્ઝ્યુમર પંપ ખાતે ડીઝલના ભાવ રિટેઈલ પંપ કરતાં વધી ગયા છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે કે, સરકારના પરિપત્ર મુજબ કોઈ પણ રિટેઈલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલનો પુરવઠો આપવામાં આવશે નહીં.  આ ઉપરાંત, રિટેઈલ પંપ ખાતે ડીઝલનો પુરવઠો જળવાઈ રહે અને બલ્ક સેક્શનના ભાવોમાં ઘટાડો કરવામાં આવે તે માટે વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આવેલાં પોર્ટ પર અમુક મશીનરી સંપૂર્ણપણે ડીઝલ આધારિત જ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આવા યુનિટ્સનું લિસ્ટિંગ કરીને તેની વિગતો ઓઇલ કંપનીઓને સોંપવામાં આવી છે, જેથી ત્યાં વિના અવરોધે અને સરળતાથી પુરવઠો પહોંચાડી શકાય. ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને ઈંધણનો પુરતો જથ્થો મળી રહે તે માટે કલેક્ટરે સૂચના આપી હતી. વધુમાં, જ્યાં પુરવઠો ન હોવાથી પેટ્રોલ પંપ ડ્રાય થઈ જાય છે, ત્યાં દેખરેખ વધારવા માટે પુરવઠા વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખાનગી કંપની `નાયરા'ના પેટ્રોલ પંપ ડ્રાય થતા હોવાનું ધ્યાને આવતાં વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. કચ્છના આવા 74 પેટ્રોલ પંપ ખાતે વિવિધ અધિકારીઓને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરીને સપ્લાય ચેઈન જાળવી રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. આ સંયુક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી. પી. ચૌહાણે પણ ઉપસ્થિત રહીને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.  બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મી સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, બેન્ટોનાઈટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એન્ડ કન્ટેનર એસોસીએશન, જીએસઆરટીસી સહિત વિવિધ ઔદ્યોગિક એકમો સંબંધિત સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી. 

Panchang

dd