કનૈયાલાલ જોશી તરફથી : મુંબઈ, તા. 21 : નેરૂલ વિસ્તારના દરિયાની
ખાડીની કાદવવાળી ગ્રે રંગની માટી પર ગુલાબી રંગ છવાયેલો જોઈને નવી મુંબઈવાસીઓ આશ્ચર્યચકિત
થઈ ગયા છે, કારણ કે ભરઉનાળામાં ગુલાબી રંગના
ફ્લેમિંગોએ હજારોની સંખ્યામાં પડાવ નાખ્યો છે. સામાન્ય રીતે આ યાયાવર પંખીઓનું શિયાળામાં
આગમન થાય છે. નેરૂલના એનઆરઆઈ સંકુલની પાછળ ખાડીની ભીની જમીન અને કાદવિયા ભૂમિ પર હજારોની
સંખ્યામાં ફ્લેમિંગો ઊતરી આવ્યાં છે. આ ફ્લેમિંગો સામાન્ય રીતે શિયાળાની મોસમમાં આવે
છે. કચ્છના રણમાં કાદવિયા જમીન પર દર વર્ષે ફ્લેમિંગો દેખાય છે. તેમ થાણેની ખાડી પણ
પસંદગીની જગ્યા છે. છીછરું પાણી, કાદવનાં મેદાનો અને મૅન્ગ્રોવનાં જંગલ તેમના માટે
આદર્શ રહેઠાણ છે. ત્યાં ખોરાક પણ આસાનીથી મળી રહે છે. પ્રકૃતિપ્રેમી અને તસવીરકાર જયસુખ
પારેખ (કવિ સુમન)એ વિશિષ્ટ પક્ષી વિશે જણાવ્યું કે, ફ્લેમિંગો એટલે સુરખાબ જેને હંજ
પક્ષી પણ કહે છે. પાંચ ફૂટ હાઈટ એટલે કે લગભગ માનવ ઊંચાઈ જેટલું અને પોતાની બ્લૅક-રેડ
પાંખો વડે આકર્ષક લાગતું અને મોટી ગુલાબી ગરણી જેવી ચાંચ ધરાવતું સુંદર પક્ષી. કવિ
સુમને કહ્યું, `આપણે ત્યાં બે પ્રકારનાં ફ્લેમિંગો જોવા
મળે છે. નાના લેસર ફ્લેમિંગો અને મોટા ગ્રેટર ફ્લેમિંગો. ગ્રેટર ફ્લેમિંગોનાં ટોળાંને
સ્ટેન્ડ, કૉલોની, રેજીમેન્ટ અને ફ્લેંબોયસ પણ કહેવાય છે. કુદરતી વાતાવરણમાં આ પક્ષી
20થી 30 વરસ જીવી શકે છે. તે આલ્ગી, પ્લાન્ટ મટેરિયલ જીવાત ખાય છે. જગતમાં
6 જાતનાં ફ્લેમિંગો જોવા મળે છે. હમણાં
હમણાં થોડાં વરસથી રણમાં બીજી જગ્યાએ ફ્લેમિંગોએ માળા કર્યાના સમાચાર છે. આ વરસે કચ્છમાં
નવી સાઈટ પર ખૂબ જ મોટા પ્રમાણમાં નાના ફ્લેમિંગોએ માળા સફળતાથી કર્યા છે.