અમદાવાદ, તા. 21 : સાઈ સુદર્શન (84) અને સુકાની શુભમન ગિલ (64)એ 125 રનની ભાગીદારી સાથે દાવનો
મજબૂત પાયો નાખ્યા બાદ જોશ બટલર (57)ની અણનમ અર્ધસદીનાં બળે બાજી મારતાં ગુજરાત ટાઈટન્સે ટોચની બે
ટીમોમાં સ્થાન સુનિશ્ચિત કરી લીધું હતું, તો 230નાં લક્ષ્ય સામે 140 રનમાં સમેટાઈ ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ 89 રને હાર સાથે સ્પર્ધામાંથી
બહાર ફેંકાઈ ગઈ હતી. સહિયારુ બોલિંગ આક્રમણ કરતાં મોહમ્મદ સિરાજ, કગીસો રબાડા અને રાશિદ
ખાને ત્રણ-ત્રણ વિકેટ ખેરવી મુકાબલો એકતરફી બનાવી દેતાં મહત્ત્વપૂર્ણ વિજયમાં મોટી
ભૂમિકા ભજવી હતી. લક્ષ્યવેધ માટે ઊતરેલી ચેન્નાઈએ ખાતું ખોલાવ્યા વિના સંજુ સેમસનના
રૂપમાં પહેલી વિકેટ ખોઈ દીધી હતી. 63 રનમાં તો અડધોઅડધ ટીમ પેવેલિયલનમાં બેસી ગઈ હતી. ક્રીઝ પર જામી
જવાનો પ્રયાસ કરતા એકમાત્ર શિવમ દુબેએ 17 દડામાં 47 રન ફટકારી
દીધા હતા, પરંતુ રાશિદના દડામાં ગિલને કેચ દઈને વિકેટ ખોઈ બેઠો હતો. અગાઉ સીએસકે સામેની
પોતાની આખરી લીગ મેચમાં ગુજરાત ટાઇટન્સે પાવર હિટિંગ કરીને 20 ઓવરમાં 4 વિકેટે 229 રનનો મજબૂત સ્કોર બનાવ્યો
હતો. ટાઈટન્સ તરફથી કેપ્ટન શુભમન ગિલ અને સાઇ સુદર્શને આક્રમક શરૂઆત કરી હતી અને પાવર
પ્લેમાં 62 રન બનાવ્યા હતા. ગિલ-સાઇ
વચ્ચે પહેલી વિકેટમાં 74 દડામાં
12પ રનની શતકીય ભાગીદારી થઇ હતી. કપ્તાન
ગિલ 37 દડામાં 7 ચોગ્ગા-3 છગ્ગાથી 64 રને આઉટ થયો હતો. આ પછી સાઇ
સુદર્શન અને જોસ બટલરે સીએસકેના બોલર્સ સામે હલ્લાબોલ કરીને બીજી વિકેટમાં ફકત 37 દડામાં 82 રનની તોફાની ભાગીદારી કરી
હતી. સાઇ પ3 દડામાં 7 ચોગ્ગા-4 છગ્ગાથી 84 રને આઉટ થયો હતો, જ્યારે
બટલર 27 દડામાં પ ચોગ્ગા-4 છગ્ગાથી વિદ્યુતવેગી પ7 રને નોટઆઉટ રહ્યો હતો. વોશિંગ્ટન દાવના
અંતિમ દડે 7 રને આઉટ થયો હતો. સીએસકે તરફથી મુકેશ,
અંશુલ અને જોનસનને 1-1 વિકેટ મળી
હતી. સાઇ સુદર્શન 638 રન અને
શુભમન ગિલ 616 રન સાથે ઓરેન્જ કેપ લીડર
બોર્ડ પર પહેલા-બીજા નંબર પર આવી ગયા હતા.