• શુક્રવાર, 22 મે, 2026

મોટા કાંડાગરા : કંપનીનાં પાણીના ટાંકામાં પરપ્રાંતીય યુવાને ફાંસો ખાધો

ભુજ, તા. 21 : મુંદરા તાલુકાના મોટા કાંડાગરાની ખાનગી કંપનીનાં પાણીના ટાંકામાં મૂળ બિહારના 38 વર્ષીય યુવાન વઝીર અહેમદ ઉસ્માન મિંયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાતનો અન્ય એક બનાવ ગઈકાલે નખત્રાણા તાલુકાનાં સાંયરા (યક્ષ) ખાતે બન્યો હતો. ગામની 59 વર્ષીય વૃદ્ધ મહિલા હંસાબેન જેન્તીલાલ પટેલે ઝેરી દવા ગટગટાવીને જીવ દીધો હતો. મૂળ દેઉરવા, વેસ્ટ ચંપારણ બિહારના હાલે મોટા કાંડાગરાની આદર્શ કોલોનીમાં રહેતા યુવાન વઝીર અહેમદે આજે બપોરે 1:30થી 2:30 વાગ્યાના અરસામાં કોઈ અકળ કારણે એક્વાટેક કંપનીનાં પાણીના ટાંકામાં લોખંડના પોલ સાથે રસ્સી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની વિગતો મુંદરા પોલીસ મથકે જાહેર કરાતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી છે. બીજી તરફ ગઈકાલે સવારે સાંયરા (યક્ષ) ખાતે પોતાનાં ઘરે હંસાબેને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતાં તેમને પ્રથમ સારવાર અર્થે નખત્રાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લવાયાં હતાં, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતાં. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd