• શુક્રવાર, 22 મે, 2026

ચંદ્રયાનની નાની છલાંગની દુનિયામાં ચર્ચા

નવી દિલ્હી, તા. 21 : ચંદ્રના મિશનથી મળેલા વૈજ્ઞાનિક ડેટા નવા નવા ખુલાસા કરી રહ્યા છે. આ વખતે સૌથી રોચક તથ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપરના શિવ શક્તિ પોઈન્ટમાંથી મળી આવ્યા છે. જયાં વિક્રમ લેન્ડરના એક નાનકડા કૂદકાએ ચંદ્રની સપાટી અંગે વૈજ્ઞાનિકોની સમજ બદલી દીધી છે. ચંદ્રની સપાટીનો અભ્યાસ કરવા માટે ચંદ્રયાન-3 મિશન દરમિયાન વિક્રમ લેન્ડરે નાનકડી છલાંગ (લૂનર હોપ) લગાડી હતી.   આ પ્રયોગ શરૂઆતમાં માત્ર બચેલા ઈંધણનો ઉપયોગ કરવા માટે થયો હતો પણ હવે ચંદ્રના ભૂગર્ભની સંરચનાને સમજવા માટેનું મોટું માધ્યમ બન્યું છે. જેમાં સામે આવ્યું છે કે માત્ર અમુક  દૂરીએ જ ચંદ્રની માટીના ગુણોમાં મોટો ફેરફાર જોવા મળે છે અને ત્યાં માટી બે અલગ અલગ થરમાં છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ શોધથી ભવિષ્યના નાસાના આર્ટેમિસ મિશનને પણ ફાયદો મળી શકે છે. જેનો હેતુ ચંદ્ર ઉપર માણસો માટે એક સ્થાયી બેઝ બનાવવાનો છે.  ચંદ્ર ઉપર લાંબી અને ખુબ જ ઠંડી રાત પડવાની હતી ત્યારે ઈસરો વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો હતો કે વિક્રમ લેન્ડરમાં હજી પણ થોડુંક ઈંધણ બચ્યું છે તેવામાં એન્જીનિયરોએ એક નિર્ણય કર્યો હતો કે લેન્ડરને ફરી એક વખત હળવી છલાંગ લેવડાવવામાં આવે. આ પ્રયોગ મૂળ મિશન પ્લાનનો હિસ્સો નહોતો પણ આ જ નિર્ણયે ઈતિહાસ રચી દીધો છે. વિક્રમ લેન્ડરનું એન્જીન ચાલુ થયા બાદ 40-50 સેન્ટીમીટર ઉપર ઉછળીને થોડાં અંતરે ફરી લેન્ડિંગ કર્યું હતું. બાદમાં આ પ્રક્રિયાને `હોપ એક્સપેરિમેન્ટ' કહેવામાં આવ્યું હતું અને દુનિયામાં ચર્ચાનો વિષય બન્યું હતું. છલાંગથી લેન્ડરના ઉપકરણને ચંદ્રની માટીના બીજા સ્થળનો અભ્યાસ કરવાની તક મળી હતી. ઉડાન ભરતા જ રોકેટમાંથી ગેસ છુટયો હતો કે ચંદ્રની સપાટીની માટીને ઉડાડી દીધી હતી. જેનાથી સામે આવ્યું હતું કે નવા સ્થળ અને શિવ શક્તિ પોઈન્ટની માટી એકસમાન નહોતી. ચંદ્રની સપાટી ઉપર માટીના અલગ અલગ થર છે. ઉપરની અમુક સેન્ટીમીટરની માટી ખૂબ જ હળવી, ઢીલી અને છીદ્રો ધરાવતી છે. જ્યારે તેની નીચે સખત થર છે. આ બન્ને થરના થર્મલ અને મિકેનિકલ ગુણ ખૂબ અલગ છે.  વૈજ્ઞાનિકો અનુસાર માત્ર અમુક સેન્ટીમીટરના અંતરમાં જ આટલો મોટો ફેરફાર મહત્વપૂર્ણ છે. એટલે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી વિવિધ છે. થોડીક દૂરીએ જ માટીના ગુણ પુરી રીતે બદલાયેલા હોઇ શકે છે. આ શોધ ભવિષ્યના ચંદ્ર મિશનો માટે મહત્વની માનવામાં આવે છે. જો ભવિષ્યમાં માણસ ચંદ્ર ઉપર બેઝ બનાવે, ડ્રિલિંગ કરે તેમજ સ્ટ્રક્ચર ઉભા કરે તો તેણે માટીને અલગ અલગ રીતે સમજવી પડશે. માત્ર સામાન્ય અનુમાનના આધારે કામ ચાલી શકશે નહી.  

Panchang

dd