ભુજ, તા. 21 : પાવરપટ્ટીમાં છેલ્લા ઘણા
સમયથી નદીઓમાંથી રેતચોરીની પ્રવૃત્તિ ભારે જોર પકડી છે. તેવામાં બે દિવસ અગાઉ મોડી
સાંજે ગેરકાયદેસર રેતી ભરેલો ડમ્પર વિસ્તારના ખારડિયા ગામમાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે
ગામલોકોએ અટકાવી પોલીસના હવાલે કર્યા પછી તેની કાર્યવાહી માટે ખાણ-ખનિજ વિભાગને જાણ
કરવામાં આવી હતી. ગત મંગળવારના મોડી સાંજે પાવરપટ્ટીના ખારડિયા ગામમાંથી રેતી ભરેલું
ડમ્પર નીકળતાં ગામજનોએ તેને અટકાવ્યો હતો, જે દરમ્યાન ડમ્પર ચાલક અને ગામજનો વચ્ચે
મોટી બબાલ થઇ હોવાનું પંથકમાં ચર્ચાય છે. બાદમાં તેની જાણ નજીકના પોલીસ સ્ટેશનમાં કરવામાં
આવતા તાબડતોબ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા પછી ગેરકાયદેસર રેતી ભરેલાં ડમ્પરને પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આધારભૂત સૂત્રો
પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટનાના પગલે નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી કરવામાં
આવતાં ડમ્પર નં. જી.જે. 02 એ.ટી. 9022માં રોયલ્ટી વગર ભરવામાં
આવેલી 30 ટન રેતીનું વહન કરવા બદલ
વાહનચાલક સામે કાર્યવાહી કરી તેની લેખિત જાણ
ખાણ-ખનિજ વિભાગને કરાતાં વાહનને પોલીસ પોતાના કબજામાં લીધો છે. દરમ્યાન આ ગામે રેચી
ચોરીની ઘટનામાં થયેલી બબાલ બાદ ગામના અગ્રણી જાડેજા ભરતસિંહ નેતસિંહએ કલેક્ટરને પત્ર
પાઠવી પંથકમાં લાંબા સમયથી ખાણ-ખનિજની ગેરકાયદેસર થતી પ્રવૃત્તિ અંગે જાણ કરાઇ છે.
પત્રમાં થયેલા ઉલ્લેખ મુજબ ગેરકાયદેસર રેતી-માટીના ખનનને લઇ આ વિસ્તારના જંગલ-જમીનને
આડેધડ ખોદી સરકારી સંપત્તિને ભારે નુકસાની પહોંચાડે છે. એટલું જ નહીં આવા ખનિજ માફિયાએ
સામે અવાજ ઉઠાવનાર સામે ધાક-ધમકી અને મારામારી પણ કરવામાં આવે છે. જેથી આવા તત્ત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવી
આ પત્રની જજાણ જિલ્લા પોલીસવડા અને ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગના અધિકારીને પણ કરવામાં
આવી છે.