મોરજર (તા. નખત્રાણા), તા.
21 : મંદિરમાં જવું તે દર્શનની
તરસ જગાડવાની એક પ્રક્રિયા છે. પરંતુ સદ્ગુરુની કૃપા થાય તો જન્મારો સુધરી જાય છે.
અહીંની કથામાં વકતાના વ્યાસસ્થાનેથી ઉદ્ગારો નીકળ્યા હતા. સંત દિલીપરાજા કાપડીના સાંનિધ્યમાં
ચાલી રહેલી રામકથાના પાંચમા દિવસે રૂા. અગિયાર લાખથી વધુના દાતા તેના ભાઇ મેમાભાઇ આહિર
પરિવાર (ગાંધીધામ) તેમજ અન્ય દાનવીરોનો સહયોગ
મળી રહ્યો છે. આ અવસરે અનેક સાધુ-સંતો અને મહંતો રામકથા મંડપમાં ચરણો મૂકી રહ્યા છે.
આ પ્રસંગે પ.પૂ. પ્રદિપ્તાનંદ સરસ્વતી (માધાપર), મહંત રાજનાથજી મહારાજ (રાજસ્થાન),
કચ્છ યુનિવર્સિના વાઇસ ચાન્સલર ડો. મોહનભાઇ છાભૈયા, શિવજીભાઇ ડાંગર, પુષ્પદાન ગઢવી, ત્રિકમભાઇ આહીર, દાનાભાઇ ચાડ, તેજાભાઇ,
વેલજીભાઇ (કિશાન લોજ), ભરતભાઇ સોમજિયાણી, નરશીદાન ગઢવી, સતીશભાઇ છાંગા, ગઢવીભાઇ (ખોડિયાર
ગ્રુપ), રાજેશ ગઢવી, દાનાભાઇ આહીર વિગેરે રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
હતા. રામકથાના પાંચમા દિવસે દ્વારકા ખાતે યોજાયેલા
મહારાસની એક ઝાંખી પ્રસ્તુત કરાઇ હતી. આ રાસે લોકો માટે આકર્ષણ બની ગયું હતું. મહાદેવભાઇ
અને દિવાળીબેને રાસની રમઝટ બોલાવીને રાસનું
ઘેલું લગાડયું હતું. આ કથા અવસરે મોટી સંખ્યામાં સાધુઓ, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા. કથાના વકતા પૂ. 1008 મહામંડલેશ્વર
કનકેશ્વરી માતાજીએ ભકિતરસ પીરસતા જણાવ્યું કે, રામનું નવમી તિથિએ અવતરણ થયું પરંતુ
જે દિવસે રામનો જન્મ થાય તેને જ નવમી તિથિ ગણાય. તેમણે જણાવ્યું કે, ભવસાગર પાર ઉતરવું
હોય તો સદ્ગુરુના શરણે જવું જોઇએ. વ્યાસાસનેથી
આયોજનની પ્રશંસા કરી હતી અને આયોજકોને બિરદાવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા જુદા જુદા ગામના આહીર યુવાનો અને માતાઓ
તેમજ આણંદસરના સેવકો જહેમત ઉઠાવી રહ્યા છે. મોરજર ગામના સેવાભાવીનો સહયોગ મળી રહ્યો
છે. મોરજર આંગણે કથારૂપી મહાયજ્ઞમાં અનેક દાતાઓ દાનની સરવાણી વહેવડાવી રહ્યા છે.