નિરોણા (પાવરપટ્ટી), તા. 30 : પાવરપટ્ટીના
ઝુરા-પાલનપુર વચ્ચે હાઇવે રોડને અડીને આવેલા અયાના સોલાર વીજ સ્ટેશનમાં બુધવારની રાત્રે
લાગેલી ભયાનક આગમાં લાખોની સોલાર સામગ્રી બળીને ભસ્મીભૂત બની હતી. સતત છ કલાક સુધી
ચાલેલી આગને કાબૂમાં લેવા જિલ્લા મથકેથી અગ્નિશામક દળની ટીમ અને સ્થાનિક લોકોની ભારે
જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. વિસ્તારના ઝુરા ગામની અનેક ખેડવાણ જમીનો ભાડા પટ્ટા
પર લઇ તેમાં સોલાર પ્લેટો ગોઠવી અયાના સોલાર નામની ખાનગી કંપનીએ વીજ સ્ટેશન ઊભુંકર્યું
છે. બુધવારની મોડી સાંજે 7.30 વાગ્યાના
અરસામાં વીજ સ્ટેશનના એક ખુલ્લા ભાગમાં આગ ફાટી નીકળી હતી. ભારેપવનને કારણે આગ ભયાનક
સ્વરૂપ ધારણ કરતાં એ ખુલ્લા વિસ્તારમાં પડેલી સોલારની પ્લેટો, કોપર કેબલ, પ્લાસ્ટી અને
લાકડાંની અનેક સામગ્રી બળીને રાખ બની હતી. આગને કાબૂમાં લેવા ભુજથી અગ્નિશામક વિભાગમાંથી
પણ વાહન દોડી આવ્યું હતું. સાથે પાલનપુર અને ઝુરા ગામમાંથી પણ પાણીના ટેન્કરો સાથે
અનેક લોકો ધસી ભારે મથામણ બાદ મધ્યરાત્રિના દોઢ વાગ્યે આગ કાબૂમાં આવી હતી. આ આગમાં
લાખોનું નુકસાન થયું હોવાનું કંપનીના સ્ટોર ઇન્ચાર્જ એસ. સરકારે જણાવ્યું હતું. સોલાર
વીજ પ્રોજેક્ટનો ચાર્જ સંભાળતા સમીરભાઇ ચૌહાણના જણાવ્યા મુજબ પ્રોજેક્ટની આસપાસ અનેક
ખેતરોમાં હાલ એરંડાનો પાક પૂર્ણ થયાં પછી તે પાકના કચરાને સળગાવવાની કામગીરી હાલ ચાલી
રહી છે. આ કામગીરી દરમ્યાન આગનો તણખો પવન સાથે ઉડીને સોલાર પ્રોજેક્ટની સામગ્રીમાં
પડતાં આગ લાગી હોવાનું જણાવ્યું હતું. નુકસાની અંગે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
નોંધવાની તજવીજ હાથ ધરાઇ હોવાનું તેમણે ઉમેર્યું હતું.