નલિયા, તા. 30 : અબડાસાના દરિયાકાંઠે બિનવારસી
ચરસનાં પેકેટો મળી આવવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. ગઈકાલે ચરસનો મોટો જથ્થો મળ્યા
બાદ આજે ફરી જખૌ મરીન પોલીસની સતર્કતાથી શિયાળબારી
વિસ્તારના સાગરકાંઠેથી વધુ 10 જેટલાં ચરસનાં
પેકેટો બિનવારસુ હાલતમાં મળી આવ્યાં હતાં. આ સાથે બે દિવસમાં મળી આવેલા ચરસનાં પેકેટોની
સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય
બન્યો છે. જખૌ મરીનના ઇન્ચાર્જ પીઆઇ વી.એમ. ઝાલા દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રાલિંગ વધારવામાં આવતાં પોલીસની સતર્કતામાં વધારો થયો છે,
જેના પરિણામે આજે બીજા દિવસે પણ ચરસનાં પેકેટો દરિયાકાંઠા વિસ્તારમાંથી
મળી આવ્યાં હતાં. મળેલાં 10 પેકેટને જખૌ મરીન પોલીસ સ્ટેશન
ખાતે જમા કરાવવામાં આવ્યાં છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસસૂત્રો
પાસેથી મળતી માહિતી મુજબ, આ ચરસનો જથ્થો
દરિયાઈ માર્ગે તણાઈને આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે. જો કે, આંતરરાષ્ટ્રીય સ્તરે નશીલા પદાર્થોની હેરાફેરી કરતી કોઈ ગેંગ સક્રિય છે કે
કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં પણ સઘન તપાસ
હાથ ધરી છે અને સ્થાનિક માછીમારો તથા રહેવાસીઓને કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય,
તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે. આ પ્રકરણમાં વધુ વિગતો તપાસ
પૂર્ણ થયા બાદ જ સામે આવશે.