જબલપુર, તા. 30 : સરકારી હોસ્પિટલમાં અપાતી દવાઓ
અને તેના નમૂનાની ચકાસણીના અહેવાલમાં વિલંબ સામે વધુ એકવાર ગંભીર સવાલો સર્જાયા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં બાળકોને અપાતી પેરાસિટામોલ સિરપના નમૂના ફેલ થઇ ગયા છે. ખાસ
ચિંતાજનક હકીકત તો એ બની છે કે, એક વરસ
પછી દવાનો રિપોર્ટ આવ્યો હતો, ત્યાં સુધીમાં તો આ દવા સરકારી
હોસ્પિટલોને પૂરી પાડી દેવાઇ હતી અને બાળદર્દીઓને દેવાઇ પણ ગઇ હતી. સિરપ નકામી,
નુકસાન કરી શકે તેવી હોવાની જાણ રિપોર્ટના આધારે થતાં પેરાસિટામોલ સિરપ
પર તરત પ્રતિબંધ મૂકી દેવાયો હતો, પરંતુ આ પ્રતિબંધનો કોઇ અર્થ
રહ્યો નથી. મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નવીન કોઠારીએ કહ્યું હતું કે, આમ તો પૂરી તપાસ પછી જ દવાઓ અપાય છે, પરંતુ પૂર્વ સંભાળરૂપે
વધુ એક વખત ચકાસણી કરાય છે. એક અહેવાલ અનુસાર બાળકો માટેની આ દવા નકામી હોવાનું જણાવતો
રિપોર્ટ આવ્યો ત્યાં સુધીમાં 16 હજાર બોટલ હોસ્પિટલોમાં પહોંચી ચૂકી હતી.