ભુજ, તા. 30 : કલરકામ માટે રશિયાના વિઝા અને
ટિકિટ માટે અહીંના શ્રમિકોએ રાજસ્થાનના એજન્ટનો સંપર્ક કરતાં 4.50 લાખ લઇ લીધા બાદ ખોટા વિઝા
અને ટિકિટ આપ્યા બાદ નાણાં પરત ન કરી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ અંગે માધાપર
પોલીસ મથકે બિપિન ભટ્ટ નગર ખાતે રહેતા અને કલરકામ કરતા શ્રમિક એવા જિતેન્દ્ર હવાસિંહ
રાઠીએ નોંધાવેલી ફરિયાદ મુજબ બે વર્ષ પહેલાં તેમના મિત્ર વીરેન્દ્રએ પૂછ્યું કે, કલરકામ માટે વિદેશ જવું હોય તો મારા કોન્ટેક્ટમાં
એક એજન્ટ છે જે વિઝાનું કામ કરે છે. આથી તેની પાસેથી આરોપી વિકાસ ખેદર (ચૌધરી) (રહે.
ઝુઝુન બાજુ -રાજસ્થાન)ના નંબર આપતાં તેની સાથે વાત કરતાં રશિયાના વિઝા કરાવી આપવાનું
જણાવ્યું હતું. આ બાદ ફરિયાદી તેમજ સાહેદોએ આરોપી વિકાસને કાગળો તેમજ અલગ-અલગ તારીખે
ટુકડે-ટુકડે કુલ રૂા. 4,50,000 આપ્યા
હતા. વોટ્સએપ પર ફ્લાઇટની ટિકિટ અને ઇ-વિઝા મોકલાવ્યા હતા જે તપાસ કરતાં ખોટા નીકળ્યા
હતા. આ બાદ નાણાં પરત માગતાં ઉડાઉ જવાબ આપ્યા હતા અને ફોન બંધ કરી નાખ્યા હતા. આમ, આરોપી વિકાસે વિશ્વાસઘાત કરી રૂા. 4.50 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ
લખાવી છે.