• શુક્રવાર, 01 મે, 2026

કોટડા (રોહા)ના આધેડે મજૂરી માગતાં મળ્યું મોત !

ભુજ, તા. 30 : નખત્રાણા તાલુકાના કોટડા (રોહા)ના 53 વર્ષીય આધેડ ઇસ્માઇલ જુમાભાઇ કોલી ખેતમજૂરીના પૈસા માગતાં તેમને મૂળ જાડાય હાલે કોટડા (રોહા)ના કેણુભા જીવણજી પઢિયારે ઢોર માર મારી મણકા ભાંગી નાખ્યા હતા. ઇસ્માઇલ વધુ સારવાર અર્થે અમદાવાદ પહોંચે તે પહેલાં જ તેમણે રસ્તામાં દમ તોડયો હતો. આ બનાવની વિગત એવી છે કે, કોટડા (રોહા)નો શ્રમિક ઇસ્માઇલ છેલ્લા 13 વર્ષથી જારજોકની સીમમાં આવેલી મહેન્દ્ર પટેલની વાડીમાં ખેતમજૂરીનું કામ કરતો હતો. પંદર-વીસ દિવસ પહેલાં તે તથા અન્ય ત્રણ આરોપી કેણુભા એરંડા પાક કઢાવા મજૂરીએ ગયા હતા. મજૂરીના બાકી રૂા. 2400 લેવા ઇસ્માઇલ ચાર દિવસ પહેલાં જારજોકની સીમમાં આવેલા કેણુભાના ગાયોના વાડા પર લેવા જતાં આરોપી કેણુભાએ ગાળો આપી એકદમ ઉશ્કેરાઇ ઇસ્માઇલને જમીન પર પટકી તેની ઉપર બેસીને હાથોથી ધિક્કાપાટુનો માર મારતાં ગરદનથી નીચે છ અને સાત નંબરના મણકા ખસી ગયા હતા અને નસ પર દબાણ આવતાં બંને પગ કામ કરતા બંધ થઇ ગયા હતા. ઘાયલ ઇસ્માઇલને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં 26/4ના આ સમગ્ર બનાવ અંગે ઇસ્માઇલે 28/4ના હોસ્પિટલના બિછાનેથી આરોપી કેણુભા ઉપર આ મતલબની ફરિયાદ લખાવતાં નખત્રાણા પોલીસે માર મારી ગંભીર ઇજા પહોંચાડયાનો ગુનો આરોપી કેણુભા વિરુદ્ધ દાખલ કર્યો હતો. દરમ્યાન ઇસ્માઇલને વધુ સારવાર અર્થે ગઇકાલે અમદાવાદ ખસેડાઇ રહ્યા હતા ત્યારે વિરમગામ પાસે જ તેમણે એમ્બ્યુલન્સમાં અંતિમ શ્વાસ લીધાની વિગતો પોલીસ પાસેથી પ્રાપ્ત થઇ છે. આમ આ ગંભીર મારનો બનાવ હત્યામાં પલટાયો છે. 

Panchang

dd