• રવિવાર, 19 એપ્રિલ, 2026

અબડાસાના હરિપરથી વલસરા માર્ગે બાઈક આડે કૂતરું આવતાં ચાંદ્રાણીનાં પ્રૌઢાનું મોત

ભુજ, તા. 18 : ગઈકાલે અબડાસાના હરિપરથી વલસરા ખાતે મેલડી માતાજીનાં મંદિરે પુત્રનાં બાઈક પાછળ બેસીને જતા અંજારના ચાંદ્રાણીના 55 વર્ષીય પ્રૌઢા ધનુબેન કાનજીભાઈ કોલીનાં બાઈક આડે કૂતરું આવી જતાં ધનુબેનનું ગંભીર ઈજાના પગલે મૃત્યું થયું હતું. બીજી બાજુ મુંદરાના પત્રી-ગુંદાલા રોડ પર ગુંદાલા પાસે નર્મદા કેનાલના પુલિયા પાસે નહાવા પડેલા મૂળ ઉત્તરપ્રદેશના 20 વર્ષીય યુવાન રામબાબુ રાધેશ્યામ મિશ્રાનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ગઈકાલે અબડાસાના વલસરામાં મેલડી માતાજીના ધાર્મિક પ્રસંગને લઈને પરિજનો બસથી હરિપર પહોંચ્યા હતા અને ત્યાંથી સંબંધીનું બાઈક લઈને ચાલક પુત્રનાં બાઈક પાછળ ધનુબેન બેઠાં હતાં. હરિપર-વલસરા માર્ગે રસ્તા પર બાઈક આડે કૂતરું આવી જતાં બાઈક પાછળ બેઠેલાં ધનુબેન પટકાયાં હતાં. માથામાં ગંભીર ઈજાના પગલે તેમને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતાં, પરંતુ સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. બનાવ અંગે હોસ્પિટલની પોલીસ ચોકીમાં વિગતો જાહેર કરાઈ હતી. સંબંધી પાસેથી પૂરક માહિતી મળી હતી. આ ઉપરાંત ગુંદાલા-પત્રી રોડ પર ગુંદાલા નજીક નર્મદા કેનાલના પુલિયામાં ગત તા. 13/4ના બપોરે ગોડા જિલ્લાના  ઉત્તરપ્રદેશનો યુવાન રામબાબુ પાણીમાં નહાવા પડયો હતો અને તે પાણીમાં ગરક થઈ ગયો હતો. બીજા દિવસે સવારે તેનો દેહ પાણીમાંથી બહાર નીકળ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

Panchang

dd