ગાંધીધામ, તા. 12 : અંજારના મેઘપર કુંભારડી ગ્રીન
લેન્ડ સોસાયટી નજીક કટ પાસે કારે હડફેડમાં લેતાં એક્ટિવા પર સવાર કિશોરભાઈ ખેમનાણી
નામના આધેડનું મોત થયું હતું, જ્યારે
તેમની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી બાજુ જૂના કટારિયામાં જૈન ભોજનાલયની છત
પરથી પટકાતાં કિરીટ રામચંદ્ર સોની (ઉ.વ. 41)એ જીવ ખોયો હતો તેમજ સામખિયાળીમાં અલ્તાફ આમદ ખલીફા (ઉ.વ. 40)એ ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો.
આદિપુરમાં રહેતા તથા પાન-મસાલાની દુકાન ચલાવતા ભરત કિશોર ખેમનાણીએ બનાવ અંગે ફરિયાદ
નોંધાવી હતી. ગત તા. 8/3ના ફરિયાદી
અને તેના માતા માયાબેન તથા પિતા કિશોરભાઈ અને બહેન સિમરન અન્ય એક્ટિવા નંબર જી.જે.
12 ઈ. એન. 6211 પર સવાર થઈને અંજાર ખાતે રેલડી
માતાનાં દર્શને જઈ રહ્યા હતા. ફરિયાદી અને તેની માતા આગળ નીકળી જતાં મેઘપર કુંભારડી
ગ્રીન લેન્ડ સોસાયટી નજીક બહેન-પિતાની રાહ
જોઈને ઊભા રહી ગયા હતા. પાછળથી તેના બહેન સિમરન એક્ટિવા ચલાવીને આવી રહ્યા હતા. તેવામાં
કટ પાસે કાર નંબર જી.જે. 12 ડીજી 3558એ એક્ટિવાને હફડેટે લેતાં દીકરી-પિતાને
ગંભીર ઈજાઓ પહોંચી હતી. યુવતીને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાઈ હતી, જ્યારે તેના પિતા કિશોર ખેમનાણીને વધુ સારવાર
માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજી બાજુ જૂના કટારિયામાં મૃત્યુનો બનાવ બન્યો હતો. કિરીટ સોની જૈન ભોજનાલયની છત ઉપર
હતા, દરમ્યાન કોઈ કારણોસર પડી જતાં ગંભીર ઈજાઓને પગલે તેમનું
મોત થયું હતું. વધુ એક બનાવ સામખિયાળીમાં જંગી રોડ નૂરનગરમાં બન્યો હતો. અહીં રહેનાર
અલ્તાફ ખલીફા ગઈકાલે સવારે પોતાના ઘરે હતો, દરમ્યાન અગમ્ય કારણોસર
આ યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બંને બનાવ અંગે પોલીસે કારણ
જાણવા આગળની તપાસ હાથ ધરી છે.