ગાંધીધામ / ભુજ, તા. 21 : અંતરજાળમાં
ગોપાલનગર વિસ્તારમાં હરીશ પરસોત્તમ ખાંડેકા (ઉ.વ. 22) તથા અબડાસા તાલુકાના પદ્ધર વાડીમાં 26 વર્ષીય યુવાન ખેતારામ રણછોડ
ભટ્ટ નામના યુવાનોએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યાં હતાં. બીજીતરફ સામખિયાળીની હોટેલમાં
જમી લીધા બાદ ઢળી પડતાં અરવિંદસિંઘ દલવીરસિંઘ (ઉ.વ. 35)નું મોત થયું હતું. અંતરજાળના
ગોપાલનગર વિસ્તારમાં રહેનાર હરીશ ખાંડેકા નામનો યુવાન ગત તા. 19/1ના પોતાના ઘરે હતો, દરમ્યાન અગમ્ય કારણોસર રાત્રે 8.30 પહેલાં તેણે છત પંખામાં દોરી
બાંધી ગળેફાંસો ખાઇ અનંતની વાટ પકડી હતી. આ યુવાને કેવા કારણોસર આવું પગલું ભર્યું
હશે તે માટે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે અબડાસા તાલુકાના પદ્ધર
વાડીમાં રહેતા ખેતારામ ભટ્ટે ગઇકાલે બપોરે બે વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણે પોતાના
ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી તેને સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર
ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો
દાખલ કરી તજવીજ હાથ ધરી છે. બીજીબાજુ સામખિયાળીમાં ચામુંડા હોટેલ પાસે સાંઇધામ મંદિર
પાસે એક બનાવ બન્યો હતો. રાજવી લોજિસ્ટિકમાં
કામ કરનાર અરવિંદસિંઘ નામનો યુવાન હોટેલમાં જમવા ગયો હતો, બાદમાં શૌચાલય પાસે જતાં ત્યાં ઢળી પડયો હતો.
તેને સારવાર માટે લઇ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની આગળની તપાસ
પોલીસે હાથ ધરી છે.