ગાંધીધામ, તા. 21 : રાપરના બાલાસર નજીક આંતરરાષ્ટ્રીય
સરહદ ઓળંગીને ભારતમાં ઘૂસી આવેલા પાકિસ્તાની પ્રેમીપંખીડા સામે વિધિવત રીતે ગુનો દાખલ
થયો હતો. પાકિસ્તાનના ઇસ્લામ કોટ, મીઠી,
સિંધ પ્રાંતના પોપટકુમાર નથુ પારા (ભીલ) તથા ગૌરી ગુલાબ ભીલ એકબીજાના
પ્રેમમાં હોવાથી અને લગ્ન કરવાના હોઇ, પરંતુ પરિવારજનોની સહમતી
નહોતી, જેથી આ બંને ગત તા. 23/11ના રાત્રિના ભાગે ઘરેથી નાસી
ગયા હતા અને તા. 23/11ના ભારત-પાકિસ્તાનની
આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી કાંટાની તાર ઊંચકી ભારતમાં બાલાસર નજીક ઘૂસી આવ્યા હતા. તેમને
સીમા સુરક્ષાદળના જવાનોએ કુમાર બી.ઓ.પી. પાસેથી પકડી પાડયા હતા. આ બંને પાસેથી પાકિસ્તાની
ચલણની 100ના દરની નોટ જપ્ત કરવામાં આવી
હતી. બંનેની જે.આઇ.સી.માં પૂછપરછ દરમ્યાન બંનેએ લગ્ન માટે જ ભારતમાં ઘૂસ્યા હોવાનું
રટણ કર્યું હતું. આ પ્રેમીપંખીડા સામે પોલીસે ગુનો નોંધી એફ.એસ.એલ. ખાતે બ્રેઇન મેપિંગ
તથા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા આગળની તજવીજ હાથ ધરી છે.