• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભચાઉમાં કાચી-પાકી કેબિનો સહિત 42 દબાણો દૂર કરાયાં

ભચાઉ, તા. 21 : અહીંના નવા બસ સ્ટેશનથી પાણી પુરવઠા કચેરી સુધીમાં વહીવટી તંત્રએ કાચા પાકાં 42 દબાણ તથા સાઈનબોર્ડ, છાપરાં, બાંકડા સહિતનાં દબાણો દૂર કર્યાં હતાં. લાંબા સમયથી ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી હતી અને વ્યાપક ફરિયાદો બાદ તંત્રએ આ વ્યાયામ કર્યો છે. શહેરમાં દબાણના કારણે ટ્રાફિક સહિતની અનેક સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડે છે અને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. કસ્ટમ ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસને પણ કામગીરી કરવામાં મુશ્કેલી ઊભી થતી હતી. બાકી દુકાનો આગળ પીડબલ્યુડી સ્ટોરના આગળના ભાગે તથા સરકારી દવાખાના બાઉન્ડ્રી બહાર, પાણી પુરવઠા કચેરી બહાર કાચી પાકી કેબિનો ખડકાઈ ગઈ હતી, ભૂકંપ બાદ ચાર રસ્તા પર આ વિસ્તાર વેપારમાં અવ્વલ બન્યો હતો અને પછીથી આ દબાણ ઉપર ભાડા ઉઘરાવવાની પ્રથા લાગુ થઈ હતી. ઘણા પાસે તો વીજ જોડાણ પણ હોવાનું કહેવાય રહ્યું છે. અહીં સરકારી કચેરીઓ બહાર ખુલ્લી જગ્યાઓ મૂકવામાં આવતી હોય છે, જેનો યેનકેન પ્રકારે કબજે કરીને ભાડા ઉઘરાવવાનું શરૂ થઈ ગયું હતું. આ દબાણ હટાવો ઝુંબેશને પગલે અન્ય પાકાં દબાણો પર તવાઈ આવે તેવું કહેવાઈ રહ્યું છે. નગર પંચાયત અમલમાં હતી તે સમયે 100 ચોરસવાર જગ્યા અપાતી હતી. આવી સનદો ચોપડે ચડાવી આપવાનું ચાલુ હોવાનો આક્ષેપો જાગૃત નાગરિકોએ કર્યા હતા. આ ઉપરાંત 100 ચોરસ મીટરની જગ્યા કરતા વધુ જગ્યા મેળવી દબાણો ખડકાયાં છે. આ દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવે તે સમયની માંગ છે. રહેણાક વિસ્તારમાં પણ  દબાણની બદીએ માથું ઊંચક્યું છે. શહેરમાં દબાણની પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી સમયની માંગ છે. 

Panchang

dd