• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અબડાસામાં `મુન્નાભાઈ' ડોક્ટરોનો પર્દાફાશ : 5.84 લાખનો મુદ્દામાલ જપ્ત

નલિયા, તા 21 : પશ્ચિમ કચ્છ-ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ અબડાસા તાલુકાનાં વાયોર ગામે માનવ જિંદગી સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વાયોર ગામે ઓચિંતી રેડ પાડીને કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડયો છે, જ્યારે અન્ય બે શખ્સ હાજર મળ્યા ન હતા. પોલીસે ઘટનાસ્થળેથી એલોપેથિક દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ રૂા. 5,84,067નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ કામગીરીની વિગત મુજબ, પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી.ના માણેકભાઇ રાજિયાભાઇ ગઢવી અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાયોર પી.એચ.સી.ની બાજુમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માલૂમ પડયું હતું કે, આરોપીઓ કોઈ પણ પ્રકારની અધિકૃત મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર લોકોનાં સ્વાસ્થ્ય સાથે જોખમ ખેડી એલોપેથિક પ્રેક્ટિસ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ પરથી ધવલ વિનુભાઇ શ્રીમાળી (પંડયા) (ઉ.વ. 21, રહે. વાયોર, મૂળ વિજાપુર, મહેસાણા)ને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જો કે, આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે શખ્સ ડો. મેહમૂદ નાંદોલિયા અને ડો. સાજિદ મન્સુરી બંને (રહે. વાયોર) દરોડા દરમિયાન હાજર મળી આવ્યા ન હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.  પોલીસે દરોડા દરમિયાન મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનાં તબીબી સાધનો, લાઈટ બિલ અને દવાની ખરીદીનાં બિલો કબજે કર્યાં છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ વાયોર પોલીસ સ્ટેશનમાં (ઇગજ)ની કલમ-125 તથા ધી મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 33, 35 મુજબ ગુનો નોંધી આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. કે.વી. ડાંગર દ્વારા ચલાવવામાં આવી રહી છે.  ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ગરડા પંથકમાં બોગસ ડોક્ટરો ઝડપાઈ ચૂક્યા છે, ત્યારે વાયોરમાં એસ.ઓ.જી.ની આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ગેરકાયદે પ્રેક્ટિસ કરતા તત્ત્વોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ દરોડાના સમાચાર વાયુવેગે ફેલાતા જ આસપાસનાં ગામોમાં ચાલતાં આવા શંકાસ્પદ દવાખાનાઓનાં શટર રાતોરાત બંધ થઈ ગયાં હતાં અને અમુક જગ્યાએ તો મુન્નાભાઈ ટાઈપના ડોક્ટરોએ ક્લિનિકનાં બોર્ડ (પાટિયા) પણ ઉતારી લીધા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.  લોકોના જીવ સાથે રમત રમતા આવા તત્ત્વો સામે પોલીસની કડક કાર્યવાહીને જનતાએ આવકારી છે. 

Panchang

dd