ગાંધીધામ, તા. 16 : આદિપુરના 4-એ ચાર રસ્તા નજીક જાહેરમાં વેચાતા દારૂનો
એક જાગૃત નાગરિકે પર્દાફાશ કર્યો હતો. લાકડાંની કેબિનમાંથી રૂા. 4200ના અંગ્રેજી તથા રૂા. 2000ના દેશી દારૂ સાથે શખ્સને પોલીસે
પકડી પાડયો હતો, પરંતુ જાગૃત નાગરિકને ધમકી
અંગેની ફરિયાદ નોંધાઈ નહોતી. આદિપુરમાં રહેનાર દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા જાડેજા નામના
યુવાન આજે સવારે ચાર રસ્તા પાસેથી દીકરી સાથે પસાર થતાં ત્યાં અમુક સાંગુડી જણાયા હતા.
તેમણે તપાસ કરતાં દીવાલને અડીને આવેલી લાકડાંની એક કેબિનમાં અંગ્રેજી, દેશી દારૂ વેચાતો હોવાનું તથા બાજુમાં પીવા માટેની વ્યવસ્થા પણ કરાઈ હોવાનું
બહાર આવ્યું હતું. જે અંગે તેમણે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂક્યો હતો અને 112 નંબર ઉપર આ બદી અંગે પોલીસને
જાણ કરતાં ત્યાં પોલીસ આવી પહોંચી હતી, તે પહેલાં દારૂ વેચનાર શખ્સે ત્યાં આવીને આ યુવાનને ધાકધમકી કરી હોવાનો વીડિયો
પણ સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો. પોલીસે આ કેબિનમાંથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસ મથકે હાજર રૂપેશ
અરજણદાસ ગુલવાણી (સોની) સામે પોલીસે ગુનો નોંધી 8 પીએમના 180 એમએલના 21 ક્વાર્ટરિયા
તથા 10 લિટર દેશી દારૂ જપ્ત કર્યો
હતો. જો કે, જાગૃત યુવાનને ધાકધમકી
અંગે લેખિત ફરિયાદ કરાઈ હોવા છતાં ગુનો ન નોંધાયો હોવાનું જાણવા મળ્યું હતું.