ભુજ, તા. 30 : પાંચેક
વર્ષ પૂર્વે ભુજની બાગાયત કચેરીમાં ખેતીની સહાય માટે લાંચ લેતા ઝડપાયેલા તત્કાલીન બાગાયત
અધિકારી વર્ગ-2 હર્ષદભાઇ રતિલાલ કણઝારિયાને આ
કેસમાં પાંચ વર્ષની સખત કેદ તથા રૂા. પાંચ-પાંચ હજારનો દંડ ફટકારતો ધાક બેસાડતો ચુકાદો
એ.સી.બી. (સ્પે.) કોર્ટે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો 2020માં 23મી
સપ્ટેમ્બરના ભુજનાં બહુમાળી ભવનમાં બાગાયત કચેરીની બહાર કમ્પાઉન્ડમાં આઇસીઆઇસીઆઇ બેંકના
એટીએમ પાસે બાગાયત અધિકારી હર્ષદભાઇ કણઝારિયાને લાંચ લેતાં લાંચ રૂશ્વત ખાતાંએ ગોઠવેલાં
છટકામાં ઝડપી લીધા હતા. બાગાયત ખેતી માટે સરકાર તરફથી એક હેક્ટર દીઠ રૂા. 40,000ની સહાય આપવામાં આવતી હતી. અરજદાર બાગાયત ખેતીની ઓફિસમાં
જઇ હર્ષદભાઇને મળતાં તેમણે જણાવ્યું કે, તમારો પહેલો હપ્તો ખાતામાં રૂા. 1.80 લાખ જેટલો જમા થયો છે. તમારે સહાયની રકમના સાત ટકા
લેખે મને રૂા. 12,000 આપવા પડશે.
જો તમે રૂપિયા નહીં આપો તો બીજો હપ્તો જમા થશે નહીં. આમ, ગેરકાયદેસર રીતે રૂા. 12 હજાર
લાંચ માગતાં ફરિયાદીએ ભુજની લાંચ રૂશ્વત શાખામાં ફરિયાદ કરતાં ગોઠવાયેલાં છટકાંમાં
લાંચ લેતા હર્ષદભાઇ ઝડપાઇ જતાં તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ
કરી હતી. આ કેસ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.સી.બી. (સ્પેશિયલ) કોર્ટ-ભુજમાં ચાલી
જતાં આરોપી હર્ષદભાઇ કણઝારિયાને જુદી-જુદી કલમોના આ શિક્ષાપાત્ર ગુનામાં પાંચ-પાંચ
વર્ષની સખત કેદની સજા તથા રૂા. પાંચ-પાંચ હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ-છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ
પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી સાક્ષી તપાસી અને દલીલો કરી
હતી.