ભુજ, તા. 19 : સસ્તાં સોનાંની લાલચમાં આવી
ભુજની ઠગ ટોળકીનો વધુ એક શિકાર રાજસ્થાનનો યુવાન બન્યો છે. 60 લાખની તેની સાથે છેતરપિંડી
થયાની ફરિયાદ ત્રણ આરોપી સામે નોંધાવી છે. આ આરોપીઓ પૈકીના એક આરોપીને એલસીબીએ સોશિયલ
મીડિયામાં ઠગાઈની જાળ બિછાવ્યાના સંદર્ભમાં ગઈકાલે જ પકડયો હતો અને બાકીના બે આરોપીને
પણ આજે ઝડપી લેવાયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રહેતા અને ડિજિટલ માર્કેટિંગ કરતા
ફરિયાદી ઉમેશ લલિતકુમાર શર્માએ આજે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ 2024ના એપ્રિલ માસમાં સંબંધીનાં
ઘરે આવ્યા હતા, ત્યારે તેમના ઓળખીતાએ જણાવ્યું
કે, ભુજમાં તેમના ઓળખીતા કસ્ટમ અધિકારી છે, તેમની પાસે સસ્તામાં સોનું મળશે. ભાઈઓના લગ્ન પ્રસંગે સોનાંની જરૂરિયાત હોવાથી
જુલાઈ મહિનામાં તેઓ ભુજ આવ્યા અને સોનુ સિંધી નામ ધારણ કરનારે પોતાની ઓળખ કસ્ટમ અધિકારી
તરીકે આપી હતી અને પોતે હાલ દુબઈમાં હોવાનું કહ્યું હતું. એક મહિના બાદ આવી ગયાનો મેસેજ
કરી ભુજ બોલાવ્યો હતો. બજાર કિંમત કરતાં આઠ ટકા ઓછા ભાવે સોનું આપવાની વાત કરી હતી.
એક કિલો સોનાંના 67 લાખ નક્કી
કર્યા હતા. ફરિયાદી ઉમેશે મકાન ઉપર લોન લઈ અને મિત્રો પાસે ઉછીના લઈ સસ્તું સોનું લેવા
ભુજ આવી 15 ઓગસ્ટના માધાપરની હોટેલમાં
રોકાયા હતા. સોનુ સિંધીના બે માણસો મહેશ અને મુન્નો આવી ફરિયાદીને સોનુના નાગોર રોડ
પર મહિલા મદરેસાની પાછળ આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયા હતા, જ્યાં 67 લાખ રૂપિયા આપતાં આરોપીઓએ કહ્યું
કે, અમારું સોનું હાલ પોર્ટ પર છે અને લાવવું મુશ્કેલ
છે. 15 દિવસ પછી આપીશ, જેથી ફરિયાદી નાણાં આપી વતનમાં ચાલ્યા ગયા હતા.
પંદર-વીસ દિવસ પછી ફરી ભુજ આવી સોનું માગતાં આરોપીઓએ જણાવ્યું હતું કે, અમારું બધું સોનું પોલીસે કબજે લઈ લીધું છે અને જો તમારે સોનું જોઈતું હોય
તો બે કરોડ માગ્યા હતા. ફરિયાદીએ વધુ રૂપિયા આપવાની ના પાડી હતી અને નવેમ્બરમાં ભાઇના
લગ્ન હોવાથી રૂપિયા પરત માગતાં આરોપીએ ફરી દુબઈ જવાનો હોવાનું કહી લગ્ન પહેલાં સોનું
લાવી આપવાની વાત કરી હતી. આ બાદ આરોપીએ પોતાનો ફોન બંધ કરી નાખતાં આ સમગ્ર કિસ્સા અંગે
મિત્રને વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભુજમાં તેનો મિત્ર
છે અને ભુજમાં તેનો સંપર્ક કરી ત્રણે આરોપીના ફોટા મોકલતાં સમગ્ર હકીકત પરથી પડદો ઊઠયો
હતો. આરોપીઓએ ખોટાં નામ ધારણ કરી તેમની સાથે ઠગાઈ કરી હોવાનું જણાવી સાચાં નામ આપ્યાં
હતાં. ફરિયાદી ફરી એકવાર ભુજ આવ્યો ત્યારે એક વખત પાંચ લાખ અને એકવાર બે લાખ,
સાત લાખ રૂણિયા પરત આપ્યા, પરંતુ બાકીના 60 લાખ ન આપ્યા. નાણાં પરત માગતાં
સોનુએ કહી દીધું હવે મારી પાસે રૂપિયા નથી. તારાથી થાય તે કરી લેજે, બીજીવાર ભુજ આવતો નહીં નહીંતર જીવતો નહીં મૂકું.
બી-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અકીલ આમદ નોડે ઉર્ફે સોનુ સિંધી (રહે. મહેરૂન પાર્ક,
આત્મારામ સર્કલ પાસે, ભુજ), અનવર ઈશાક તુર્ક ઉર્ફે મહેશ (રહે. ડીપીચોક, કેમ્પ એરિયા,
ભુજ) અને અકબર અબ્બાસ કેવર ઉર્ફે મુન્ના (રહે. ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ) વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ ત્રણ આરોપી પૈકી એક અકબર કેવરને ગઈકાલે
રાતે જ એલસીબીએ સોશિયલ મીડિયામાં સસ્તું સોનું આપવા જાળ બિછાવ્યાના વીડિયો સાથે ઝડપી
પાડયો હતો અને આ ઝડપાયેલા બે સામે અલગથી ગુનો નોંધાયો છે. બીજી તરફ બાકીના બે આરોપી
અકીલ અને અનવરને પણ એલસીબીના એએસઆઈ નીલેશ ભટ્ટ, અનિરુદ્ધસિંહ
રાઠોડ, હે.કો. ધર્મેન્દ્રભાઈ રાવલ, રણજિતસિંહ
જાડેજા, શક્તિસિંહ ગઢવી, કોન્સ. જયદેવસિંહ
જાડેજા અને જીવરાજભાઈ ગઢવીએ તપાસ દરમ્યાન ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી કાર કિં. રૂા.
પાંચ લાખ તથા બે મોબાઈલ કિં. રૂા. 20,000નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.