નવી દિલ્હી,
તા. 16 : મોંઘવારી
માથાંનો દુ:ખાવો બની રહી છે, ત્યારે છૂટક બાદ જથ્થાબંધ મોંઘવારી
પણ વધીને 2.13 ટકા સાથે બાર
મહિનાની ટોચ પર પહોંચી ગઇ છે. ફેબ્રુઆરી 2025માં
આ દર 2.38 ટકા હતો. ડિસેમ્બરમાં
0.83 અને 2026ના પ્રારંભમાં જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 1.81 ટકા હતો. `મહાયુદ્ધ'ની અસર હેઠળ ક્રૂડતેલની કિંમતોમાં આવવા માંડેલા ઉછાળાની અસર પણ મોંઘવારી પર
થઇ છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધ હજુ લાંબુ ચાલશે, તો
તેલની કિંમત 150 ડોલર પ્ર્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. આમ થતાં પેટ્રોલ-ડીઝલના
ભાવ વધશે, જેની અસર હેઠળ પરિવહનનો ખર્ચ વધવાથી ફળ, શાકભાજી સહિત દરેક જરૂરી વસ્તુઓના ભાવ વધવાની ભીતિ છે. ફેબ્રુઆરી 2026માં રોજિંદી જરૂરતની ચીજોની મોંઘવારી 2.21 ટકામાંથી વધીને 3.27 ટકા, ખાવા-પીવાની ચીજોની મોંઘવારી માઇનસ 1.41માંથી
વધીને 1.85 ટકા થઇ ગઇ
છે. ઉત્પાદન કરાતી વસ્તુઓની જથ્થાબંધ મોંઘવારી 2.86 ટકાથી
વધીને 2.92 ટકા થઇ ગઇ
છે. ઇંધણ અને વીજળીની મોંઘવારી માઇનસ 4.01 ટકામાંથી
વધીને માઇનસ 3.78 ટકા થઇ ગઇ
છે.