• મંગળવાર, 17 માર્ચ, 2026

આદિપુરમાં 53.85 લાખ મેળવી પરત ન આપતા છેતરપિંડીનો ગુનો દાખલ

ગાંધીધામ, તા. 16: આદિપુરમાં રહેનાર એક શખ્સે અને તેની માતાએ ચાર લોકો પાસેથી ધંધા માટે રૂપિયા લઈ બાદમાં પરત ન આપતા બંને સામે રૂા. 53,85,829ની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આદિપુરમાં રહેતા અને રિશિકિરણ લોજીસ્ટીક પ્રા. લિમિટેડમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતા કનૈયાલાલ ખુબચંદ પર્ચવાણીએ એટ ઈન્ટરનેશનલ કંપનીનાં મનેન્દ્રસિંહ સોહનસિંહ મિન્દાસ તથા તેની માતા ગરમિત કૌર સોહનસિંહ મિન્દાસ સામે ફરિયાદ નોંધાવી હતી. આયાત-નિકાસનું કામ કરનાર આરોપી મનેન્દ્રસિંહએ પહેલાં ફરિયાદી પાસેથી ધંધા માટે રૂા. 3,50,000 માગ્યા હતા. બાદમાં રૂા. 11 લાખ માગતા ફરિયાદીએ પોતાની બહેન હેમલતા લક્ષ્મણદાસ શ્યામદાસ પાસેથી રૂપિયા લઈ આપ્યા હતા. ભવિષ્યમાં ધંધો સાથે કરશું તેમ વિશ્વાસ સંપાદિત કરી આરોપીએ ફરિયાદી પાસેથી વધુ પૈસા માગ્યા હતા. જે ફરિયાદીએ આપી દીધા હતા. કુલ રૂા. 41,01,000 આપી દીધા બાદ બંને માતા-પુત્રએ પૈસા લીધેલાનું નોટરી પણ કરી આપ્યું હતું. ફરિયાદીએ પૈસાની માગ કરતા ખોટા વાયદા કરાયા હતા. બાદમાં આ બંનેએ જૈનિત ઘનશ્યામ ઠક્કર પાસેથી રૂા. 7,94,200, હાર્દિક નાગડા પાસેથી રૂા. 2,60,629 તથા ગુલાબ ટી. લાલચંદાણી પાસેથી રૂા. 2,30,000 લઈ પરત ન આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂા. 53,85,829ની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથધરી છે.

Panchang

dd