ભુજ, તા. 16 : તાલુકાના
માનકૂવા ગામે આજે ધોળા દિવસે બંધ ઘરનાં તાળાં તોડી રોકડા રૂા. ચાર લાખની ચોરી થતાં
ચકચાર પ્રસરી છે. આ ચકચારી ચોરી અંગે માનકૂવા પોલીસ મથકે માનકૂવાના બાવળવાળી વિસ્તારમાં
રહેતા 60 વર્ષીય વૃદ્ધ રતનબેન મનજી દબાસિયાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારે છ વાગ્યે તેઓ ઘર બંધ કરી તેની દીકરી નીતાની વાડીએ
કામ અર્થે ગયાં હતાં. બપોરે બારેક વાગ્યાના અરસામાં તેમના જમાઈ વાલજી પુજાણીને તેના
મિત્ર રમેશ ભુડિયાનો ફોન આવ્યો હતો અને વાત કરી કે, તમારી સાસુના
મકાનમાં ચોરી થવાનું જણાય છે, દરવાજો ખુલ્લી હાલતમાં છે. જમાઈએ
ફરિયાદી રતનબેનને વાત કરતાં તેઓ જમાઈ સાથે તુરંત ઘરે જતાં ઘર પાસે લોકો એકત્ર હતા અને
ઘરના દરવાજાનાં તાળાં તૂટેલાં હતાં. સામાન વેર-વિખેર હતો. કબાટના દરવાજા પણ તૂટેલા
હતા. કબાટમાં રાખેલા રોકડા રૂા. ચાર લાખ જોવામાં આવ્યા નહીં. ફરિયાદીએ બે સપ્તાહ પૂર્વે
જ બેન્કમાંથી રોકડા રૂા. ત્રણ લાખ ઉપાડીને કબાટમાં રાખ્યા હતા. આમ સવારે છથી બપોરે
12 વાગ્યા દરમ્યાન કોઈ અજાણ્યા ચોર
ઈસમ ચાર લાખ રોકડાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ માનકૂવા પોલીસ મથકે નોંધાવતાં પોલીસે
ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.