માધાપર, તા. 16 : અહીંના
ત્રિભુવન ખેતર ગોરસિયા ફાર્મ ગ્રીન સોસાયટી પાસે આગામી તા. 21/03થી શરૂ થતી પૂ. મોરારિબાપુની કચ્છ મધ્યેની 36મી કથાનાં આયોજન માટેની સર્વે કાર્યકરો, કથા સમિતિ અને સૌ ભાવિકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ કથામંડપમાં
ચાલીસથી પચાસ હજાર શ્રોતાઓ બેસીને કથા સાંભળી શકે તેવો વિશાળ કથામંડપ બની રહ્યો છે.
ભાઈઓ અને બહેનો માટે સવારે નાસ્તો, બપોરના પ્રસાદ માટે પણ વિશાળ
ભોજનાલયનો શમિયાણો બાંધી આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ પાર્કિંગ ઝોન બનાવવામાં આવેલ
છે. આજની આ બેઠકમાં કથાના મનોરથી એવા ધિરેશ મનજીભાઈ દબાસિયાએ પોતાના ભાવ વ્યક્ત કરતાં
જણાવ્યું કે, આ કથાના મનોરથી ફકત અમે નથી, પરંતુ આપ સૌ ભાવિકો પણ છો. આ કાર્ય એક વ્યક્તિ કરી શકે તે બાબત શક્ય નથી. રામકૃપા,
પૂ. બાપુના અને વડીલોના આશીર્વાદથી કથા મળી છે, જેને અમારા અહોભાગ્ય સમજીએ છીએ. રામનામનો મહિમા દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચે
એવી અપેક્ષા છે. બાપુના કૃપાપાત્ર એવા પ્રવીણભાઈ તન્નાએ જણાવ્યું કે, પૂર્વ જન્મના કોઈ સારા પુણ્ય કર્યા હોય તો પૂ. બાપુની કથાના મનોરથી થવાનો અવસર
મળે. કૃપા વગર આ વાત શક્ય નથી. મોહનભાઈ ધારશીએ જણાવ્યું કે, આ
અમૂલ્ય અવસરે આપણે સૌ સહભાગી બનીએ, જ્યારે વેલજીભાઈ આહીર (કિસાન
લોજ)એ જણાવ્યું કે, માધાપરની બાપુની આ કથા ઐતિહાસિક બની રહેશે.
માધાપરમાં 1982માં પૂ. બાપુની
કથા યોજાયેલી, ત્યારબાદ 44 વર્ષ
બાદ આ કથા મળી છે. આ આપણા સૌ માટે સૌભાગ્યની વાત છે. ઉદ્યોગપતિ અને રામસ્નેહી એવા વિનોદભાઈ
સોલંકી અને પૂર્વ સરપંચ અરજણ ભુડિયાએ પણ જણાવ્યું કે, માધાપર સનાતન પ્રેમી ગામ છે. આખું ગામ યજમાન પરિવાર સાથે છે. વર્ધમાનનગરના
સરપંચ રોનિતભાઈ શાહ, જયેશભઈ સચદે, માધાપર
ગુર્જર ક્ષત્રિય સમાજના પ્રમુખ જયંતીભાઈ વાઘેલા, હરિભાઈ ઝરૂ,
શામજીભાઈ ડાંગર, રિશીભાઈ જોશી વિગેરેએ સૂચનો કર્યાં
હતાં. આ પ્રસંગે ઘનશ્યામભાઈ જોશી, ઝીલુભા સોઢા-સરપંચ ધોળાવીરા, હિતેશ પી. સોની, દિલીપ ભીંડે, ભાવેશભાઈ આઈયા - વિરાણી, જગુભાઈ માથકિયા, ચેતનભાઈ ચૌહાણ, લોહાણા મહિલા મંડળ માધાપરની બહેનો,
જયસુખ ઠક્કર, કાંતિભાઈ ગઢવી, નારણભાઈ ગોરસિયા, હંસાબેન હરશિયાણી, કાનજીભાઈ કેરાઈ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનેશરામ
સાધુએ, જ્યારે આભારવિધિ યોગેશભાઈ વેલજીભાઈ ગજ્જરે કર્યા હતા.