નવી દિલ્હી,
તા. 16 : ઈરાન
યુદ્ધ અડધા મહિના કરતાં વધુ દિવસોથી વણથંભ્યું જારી છે. એકબાજુ અમેરિકા અને ઈઝરાયલે
ઈરાનનો ખાત્મો કરવાં કમર કસી લીધી છે તો બીજીબાજુ ઈરાન પણ ઝૂકવા તૈયાર નથી. અમેરિકા
અને ઈઝરાયલ સામે મરણિયા થઈને લડી લેવા ઉપર આવી ગયેલા ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ
કરીને પોતાનો ઈરાદો અટલ હોવાનું સાફ કરી દીધું છે. ઈરાન અહીંથી કોઈપણ જહાજને પસાર થવા
દેતું નથી અને તેનાં હિસાબે દુનિયામાં ઓઈલ સંકટનાં વાદળો ઘેરાઈ ગયા છે. આમ, ઓઈલ સંકટ માટે પોતાનાં ઉપર માછલાં ધોવાતા જોઈને અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ
ટ્રમ્પે દુનિયાની અન્ય મહાશક્તિઓ સામે હોર્મુઝમાં નૌસેના મોરચાબંધી કરવાની અપીલ કરી
હતી પણ આમાં અમેરિકાનાં મિત્ર દેશોએ જ ટ્રમ્પને આંચકો આપી દીધો છે. આમ, એકલા પડેલા ટ્રમ્પે અકળાઈને પોતાનાં સહયોગી દેશોને જ ધમકી આપી દીધી હતી કે,
જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આ દેશો મદદ નહીં કરે તો નાટોનું ભવિષ્ય
બહુ જ ખરાબ હશે. આ સાથે તેમણે યુરોપનાં દેશોને ઈરાન સામેનાં યુદ્ધમાં સામેલ થવા નવેસરથી
હાકલ પણ કરી હતી. હોર્મુઝનો માર્ગ ખોલવા માટે ટ્રમ્પે નૌસેના ગઠબંધન કરીને યુદ્ધ જહાજો
મોકલવાની અપીલ કરતાં કહ્યું હતું કે, જો આંતરરાષ્ટ્રીય સમુદાય
મળીને આ જળમાર્ગની સુરક્ષા કરશે તો વૈશ્વિક ઊર્જા સંકટને ટાળી શકાશે. આમાં પણ તેમણે
ખાસ કરીને નાટોનાં સદસ્ય દેશોને આ મોરચામાં સામેલ થવાની અપીલ કરેલી. જો કે જાપાન,
ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, બ્રિટન અને ફ્રાન્સ જેવા અમેરિકાનાં વફાદાર અને સાથી દેશોએ જ આમાં સામેલ થવા
માટે ઈનકાર કરી દીધો છે અથવા તો ટ્રમ્પની અપીલનો કોઈ જવાબ આપ્યો નથી. આ દેશો નથી ઈચ્છતા
કે અમેરિકાની આ ઈરાન નીતિનો ભાગ બનીને ક્ષેત્રીય યુદ્ધમાં તેઓ જોડાઈ જાય. આમ,
વૈશ્વિક સ્તરે અલગ પડી જતાં દેખાવા લાગેલા ટ્રમ્પ ભડકી ગયા હતાં અને
તેમણે કહ્યું હતું કે, જો કોઈ આમાં સામેલ થવાનો જવાબ નહીં આપે
તો તેને પણ ઈનકાર જ સમજવો પડશે અને હવે લાગે છે કે આવી રીતે નાટોનું ભવિષ્ય બહુ જ ખરાબ
હશે. તેમણે કહ્યું હતું કે, આપણી પાસે નાટો નામક એક વ્યવસ્થા
છે. યુક્રેનનાં મામલામાં આની કોઈ આવશ્યકતા નહોતી. યુક્રેન હજારો માઈલ દૂર હોવા છતાં
આપણે તેની મદદ કરી હતી. હવે આ દેશો અમારી મદદ કરી શકે છે કે નહીં તે જોવું રહ્યું.