• મંગળવાર, 17 માર્ચ, 2026

હરીન્દ્રભાઇ અક્ષરના સાચા આરાધક હતા

ભુજ, તા. 16 : અક્ષરના સાચા આરાધક અને આધુનિક નવલકથાકાર હરીન્દ્રભાઈ દવે સત્યનિષ્ઠ અને સંવેદનશીલ પત્રકાર પણ હતા. અહીંના મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય અને ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે પત્રકાર-સાહિત્યકાર હરીન્દ્ર દવેના જીવન તથા સર્જન પરત્વે યોજાયેલા સુમિનારમાં વકતવ્ય આપતાં વક્તાઓએ સૂર વ્યક્ત કર્યો હતો. આ સેમિનારમાં હરીન્દ્રભાઈના પત્રકારત્વ વિષયે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડયાએ તથા હરીન્દ્રભાઈના સર્જન તથા જીવન સંદર્ભે કચ્છના જાણીતા સર્જક માવજીભાઈ મહેશ્વરીએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વિષ્ણુભાઈએ જીવનના આઠ દાયકામાંથી છ દાયકા સુધી લખતા રહેનાર હરીન્દ્રભાઈને સાચા શબ્દયાત્રી લેખાવતા એમણે 1951થી એમની પત્રકારત્વની સંપૂર્ણ યાત્રા અને સરકારી નોકરીના ઈન્ટરવ્યૂમાંથી કેવા સંજોગોમાંથી પરત ફરીને પત્રકારત્વમાં જોડાયા તેની સંપૂર્ણ વિગતો આપી હતી. હરીન્દ્રભાઈને સંપૂર્ણ પત્રકાર લેખાવતાં એમણે એમની ભાષા પ્રસ્તુતિ, પત્રકારત્વની સાથે-સાથે સમયાંતરે અમણે સર્જેલા સર્જનાત્મક સાહિત્યની પણ વિગતો આપી હતી. નીડર પત્રકાર હરીન્દ્રભાઈ એમના સમયના દરેક પક્ષના રાજકીય મહાનુભાવોની મુલાકાત સમયે સંપૂર્ણ નિષ્પક્ષ અને નીડરતાપૂર્વક વેધક સવાલો કરતા, પરંતુ એ પછી એમની સાથે સંપૂર્ણ આદરતાપૂર્વકના સંબંધો પણ નીભાવતા, તેની પણ વિગતો દાખલા સાથે આપી હતી. મુંબઈમાં કચ્છનો અવાજ પહોંચાડવા માટે પણ એમણે કરેલા કાર્યોની વિગતે વાત પણ એમણે કરી હતી. હરીન્દ્રભાઈએ 1951થી 1995 સુધી જનશક્તિ, ફ્રી પ્રેસ જર્નલ, મુંબઈ સમાચાર તથા જન્મભૂમિ સહિતની એમની પત્રકારત્વની વિગતો આપતાં એમણે જણાવ્યું કે, તેઓ એક સાહિત્યિક પત્રકાર હતા, નવનીત-સમર્પણનું સંપાદન, ઉપરાંત જનશક્તિમાં સાહિત્યમંગલ કટાર, ફી પ્રેસમાં ગ્રંથાવલોકન, મુંબઈ સમાચારમાં કલમની પાંખે, જન્મભૂમિમાં કાવ્ય-કાવ્યતા જેવી સાહિત્યિક કટારો પણ સંભાળી હતી. માવજી મહેશ્વરીએ તેમના જીવન તથા સાહિત્ય અંગે વાત કરતાં મૂળ ગીતકાર અને ગઝલકાર લેખાવ્યા હતા. પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયે સ્વાગત કરતાં પુસ્તકાલયની સાહિત્યિક પ્રવૃત્તિની વિગત આપી હતી. ક્ષત્રિય સમાજના પૂર્વ અધ્યક્ષ જોરાવરાસિંહ રાઠોડે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી મંચસ્થ રહ્યા હતા. પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે બંને વક્તાનો પરિચય આપ્યો હતો. કારોબારી સભ્ય પીયૂષભાઈ પટ્ટણી, ઝવેરીલાલ સોનેજી તથા મલ્હાર બૂચ મહેમાનોના સન્માનમાં જોડાયા હતા. સંચાલન પુસ્તકાલયના કારોબારી સભ્ય મનન ઠક્કરે કર્યું હતું તથા આભારવિધિ મંત્રી નરેશ અંતાણીએ કરી હતી. કારોબારી સભ્યો રેશ્માબેન ઝવેરી, દિનેશભાઈ મહેતા, રક્ષક અંતાણી, કરીમભાઈ ખીયરા, જાગૃતિ વકીલ, ઉપરાંત ગૌતમ જોશી, અતુલ મહેતા, ભાવિન વોરા, મોહનભાઈ જોબનપુત્રા, પૂર્વી ગોસ્વામી, ડો. અમીત ત્રિપાઠી, નવીનભાઈ વ્યાસ, ડો. મધુકાંત આચાર્ય, અશોક માંડલિયા, મોહન જોશી, હર્ષદ ઠક્કર, કમલકાંત ભટ્ટ, શાંતિલાલ વરુ, બીના ભાનુશાલી, ભગીરથ ધોળકિયા, કિરણ સોલંકી, નીતિન પંડયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd