ગાંધીધામ/ભુજ,
તા. 16 : રાપર
નજીક પગપાળા જતાં બે ભાઈ પૈકી શૈલેશ રમેશ છગન દેવીપૂજક (ઉ.વ. 7)ને બાઈકે હડફેટમાં લેતાં આ બાળકે જીવ ખોયો હતો. બીજીબાજુ
મેઘપર બોરીચીમાં લગધીર અમરાભાઈ ગઢવી (ઉ.વ. 79)એ
ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે મુંદરાના મોટા કપાયાથી પ્રાગપર
ચોકડી વચ્ચે આજે 35થી
40 વર્ષના અજાણ્યા યુવાનની લાશ મળી હતી. રાપરના પીરધારમાં
રહેતા ફરિયાદી રમેશ દેવીપૂજકે રાપર નજીક પાલનપર રોડ પર આવેલી ગણેશ રૂડા કારોત્રાની
વાડી ભાગેથી વાવે છે, ગઈકાલે ફરિયાદી અને તેમના બહેન વાડીએ
ગયા હતા. બાદમાં ફરિયાદીના દીકરા પ્રવીણ (ઉ.વ. 12) તથા શૈલેષ (ઉ.વ. 7) ત્યાં
પગપાળા ટિફિન લઈને આવ્યા હતા, ત્યાંથી બંને પરત પગપાળા ઘર બાજુ જઈ
રહ્યા હતા અને ફરિયાદી તથા તેમના બહેન જવાની તૈયારી કરતા હતા તેવામાં શૈલેષનો અકસ્માત
થયો હોવા અંગે ફોન આવ્યો હતો. પ્રવીણ અને શૈલેષ જઈ રહ્યા હતા ત્યારે સામે તીવ્ર ગતિએ
આવતી બાઈક નંબર જીજે-39-બી-8796ના ચાલક રમેશ ગાંગજી વાવિયાએ બાઈકને હડફેટમાં લેતાં
તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તે જ બાઈકમાં બેસાડીને સારવાર અર્થે લઈ જવાતાં
ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યે હતો. વધુ એક બનાવ મેઘપર બોરીચીના પરસોત્તમનગરમાં
બન્યો હતો. અહીં રહેતા વૃદ્ધ લગભીરભાઈ ગઢવી ગઈકાલે સવારે પોતાના ઘરે હતા દરમ્યાન અગમ્ય
કારણોસર તેમણે ગળેફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી
છે. બીજીબાજુ મુંદરામાં મોટા કપાયાથી પ્રાગપર ચોકડી વચ્ચે આજે સાંજે અંદાજે 35થી 40 વર્ષના
અજાણ્યા યુવાનની લાશ મળી હતી. લાલ શર્ટ અને સ્લેટિયા કલરની પેન્ટ પહેરેલા આ શખ્સની
ઓળખ જાણવા મુંદરા પોલીસે છાનબીન આદરી છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે.