દયાપર (તા. લખપત), તા. 16 : તાલુકાનાં મુખ્ય મથક દયાપર ખાતે હાઈવે પર અલ્ટો કાર
અને બાઈક વચ્ચે અથડામણ થતાં બાઈકચાલકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસ સ્ટેશનમાં
જાણવાજોગ વિગતે માહિતી આપતાં કહ્યું હતું કે, બાઈકચાલકને માથામાં ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત
પ્રફુલ્લ કોલી (ઉ.વ. 26), રહે.
વિરાણીને લોહીલુહાણ હાલતમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયો હતો. લોકોનું
મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. કારચાલક પણ ઈજાગ્રસ્તને દવાખાને લઈ જવા મદદરૂપ થયો
હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. બીજીબાજુ હાઈવેના આ 200 મીટર જેટલા વિસ્તારમાં માર્ગ મકાન દ્વારા રોડ તો ડામર
થઈ ગયો, પણ સાઈડમાં મોરમ ન ભરાતાં તેની 7થી 10 ઈંચની
મોટી ધારનાં કારણે વારંવાર દ્વિચક્રી વાહનો
અહીં સ્લીપ થાય છે અને ઈજાગ્રસ્ત થાય છે. નખત્રાણા ખાતે આર એન્ડ બીના અધિકારી મીત પાટડિયાને
આ બાબતે વારંવાર રજૂઆત કરાઈ છે. તેમણે બસ સ્ટેશન પાસે પુલનું કામ કરતા ઠેકેદારને માટી
નાખવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. ઠેકેદાર પાસે પણ દુકાનદારોએ આ વાત મૂકી હતી, પરંતુ એક મહિના પછી પણ હજુ સાઈડ મોરમ ન નખાતાં આખરે સેવાભાવી લોકોએ દરરોજ નજરની
સામે અકસ્માતો જોઈ થાકી જતાં માટીનું ડમ્પર નખાવ્યું હતું. ઠેકેદારો કે માર્ગ મકાન
વિભાગના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું નહીં. લખપત તા.માં માર્ગ મકાન વિભાગ (સ્ટેટ)ના
અધિકારીઓ કોઈનો ફોન પણ ઉપાડવાની તસ્દી લેતા નથી. `અમલદારીરાજ' ભોગવતા આ વિભાગોનાં કામોની સમીક્ષા
થવી જોઈએ. તાજેતરમાં રણમાં મીઠાંના પ્લોટધારકો આડેધડ રોડ બનાવે છે, તેવા અહેવાલ બાદ તંત્ર દ્વાર `રદિયો' અપાયો કે પોતાની માલિકીના પ્લોટમાં રોડ બનાવે છે, જો
માલિકીના પ્લોટમાં રોડ બનાવે તો જંગલખાતાંએ હાજીપીરથી મુધાનના રસ્તાનું કામ શા માટે
અટકાવ્યું? તે પ્રશ્ન છે. પવનચક્કી અને મીઠાં ઉદ્યોગને પંપાળનારા
આ સરકારી વિભાગો હવે અનિયંત્રિત બની ગયા છે. પ્રજાનું કોઈ જાણે સાંભળનારું નથી.