કેલિફોર્નિયા, તા. 16 : ઇન્ડિયન
વેલ્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ઇટાલીની વિશ્વ નંબર બે ખેલાડી યાનિક સિનર અને
બેલારૂસની વિશ્વ નંબર વન આર્યના સબાલેંકા અનુક્રમે પુરુષ-મહિલા સિંગલ્સમાં
ચેમ્પિયન થયા છે. મેન્સ સિંગલ્સના ફાઇનલમાં યાનિક સિનરનો રૂસી ખેલાડી દાનિલ
મેદવેદેવ વિરુદ્ધ રસાકસી બાદ 7-6 અને 7-6થી
રોમાંચક વિજય થયો હતો. ફાઇનલમાં બન્ને સેટ સિનરે ટાઇબ્રેકરમાં જીત્યા હતા.
ટૂર્નામેન્ટમાં એક પણ સેટ હાર્યાં વિના સિનર ચેમ્પિયન બન્યો છે. આ જીત સાથે સિનરે
હાર્ડ કોર્ટ પરના તમામ મેજર ટાઇટલ કબજે કરી લીધા છે. આ પહેલા આ રેકોર્ડ ફેડરર અને
જોકોવિચના નામે હતો. મહિલા ફાઇનલમાં નંબર વન આર્યના સબાલેંકાનો કઝાકિસ્તાનની
ખેલાડી એલિના રાયબાકિના સામે ત્રણ સેટની ટકકર પછી 3-6, 6-3 અને 7-6થી
વિજય થયો હતો. પહેલો સેટ ગુમાવ્યા પછી શાનદાર વાપસી કરી સબાલેંકા ચેમ્પિયન બની
હતી. તેણીનો આ પહેલો ઇન્ડિયન વેલ્સ ખિતાબ છે.