• શુક્રવાર, 28 માર્ચ, 2025

ભુજમાં ઓનલાઇન જુગારના અડ્ડાનો પર્દાફાશ

ભુજ, તા. 13 : આઇ.ડી. આધારિત ઓનલાઇન બની ચૂકેલો સટ્ટો બારમાસી થવા સાથે તેનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચરમસીમાએ પહોંચ્યો છે. એલસીબીએ ભુજના એક મકાનમાં ચાલતા આવા આધુનિક જુગારખાનાં પર દરોડા પાડી મુખ્ય સૂત્રધાર સહિત કચ્છ તો ઠીક પાડોશી જિલ્લા બનાસકાંઠા અને અમદાવાદના 10 ઓપરેટરને કોમ્પ્યુટર-લેપટોપ અને મોબાઇલ ફોન સાથે ઝડપી આ આધુનિક સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. આ ઓનલાઇન ગેમની આઇ.ડી. અને ગોરખધંધાનો સંચાલક દુબઇ ગયો હતો, ત્યારે ત્યાંથી લઇ - શીખી આવ્યાની કેફિયત આપતાં આ સટ્ટાકાંડના તાણાવાણા પણ દુબઇથી જોડાયેલા છે, ત્યારે ચર્ચાસ્પદ મહાદેવ બેટિંગ એપના સૂત્રધારો આની પાછળ છે કે કેમ તે અંગે છાનબીન ચાલી રહી છે. પશ્ચિમ કચ્છના નાયબ પોલીસ અધીક્ષક એમ. જે.  ક્રિશ્ચિયને આજે પત્રકારોને આ ઓનલાઇન સટ્ટાકાંડના પર્દાફાશ અંગેની વિગતો જાહેર કરતાં કહ્યું કે, એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે, મૂળ ગાંધીધામનો હાલે નરનારાયણ નગરની બાજુમાં સરદારનગર-બેમાં પ્લોટ-28થી 35-એમાં રહેતો ધવલ રોહિતભાઇ મહેતા તેના આ મકાનમાં ગેરકાયદેસર ઓનલાઇન ગેમિંગ મારફત ગ્રાહકો પાસેથી ડિપોઝિટ પેટે રૂપિયા લઇ ગેમ રમવા માટે આઇ.ડી.-પાસવર્ડ આપી રૂપિયાની હાર-જીતનો જુગાર રમી-રમાડે છે અને આ હાર-જીતનો હિસાબ પણ કોમ્પ્યુટર મારફત કરે છે. આ બાતમીનાં પગલે એલસીબીએ મકાનમાં ચાલતા આ ઓનલાઇન જુગારના અડ્ડા પર દરોડો પાડતાં 10 ખેલીને રંગેહાથ ઝડપી લીધા હતા. સંચાલક ધવલને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, અહીં 100 પાનેલ નામની વેબસાઇટ પર જઇ લોટસ 365 નામની કંપનીમાં અલગ-અલગ ઓનલાઇન ગેમ હોય, જેમાં ગ્રાહકને જે ગેમ રમવી હોય તે રમવા ગ્રાહક અમને ડિપોઝિટ (રૂપિયા) ઓનલાઇન અમારાં ખાતાંમાં મોકલે, જેથી તેને વોટ્સએપ પર ગેમની લિંક તથા આઇ.ડી.-પાસવર્ડ મોકલીએ છીએ... તે જીતે તો તેની માંગ મુજબ ઓનલાઇન પેમેન્ટ તેનાં ખાતાંમાં મોકલી આપીએ છીએ. એકાદ મહિનાથી ચાલતા આ ડિજિટલ જુગારના અડ્ડામાં ચાર કોમ્પ્યુટરમાં અમે બધા વારાફરતી 24 કલાક આ ગેમિંગ રમવા માટે ગ્રાહકોને પાસવર્ડ-આઇ.ડી. આપવા ઓનલાઇન ટ્રાન્જેક્શન કરતા હોવાનું ધવલે જણાવ્યું હતું. પ્રાથમિક પૂછતાછમાં ધવલે જણાવ્યું હતું કે, તે દોઢેક વર્ષ પૂર્વે દુબઇ ગયો હતો, ત્યારે મીકી નામના શખ્સને મળ્યો હતો અને તેને ઓનલાઇન ક્રિકેટ સટ્ટામાં ગોઠવી આપવા જણાવતાં મીકીએ અન્ય શખ્સનો ભેટો કરાવ્યો હતો અને તેણે આઇ.ડી. અને કેવી રીતે તેનું સંચાલન થાય તે શીખવ્યું હતું. આ દરોડામાં ધવલ ઉપરાંત કિશન ઉમેશભાઇ જણસારી (અમદાવાદ), નીરવકુમાર દેવેન્દ્રભાઇ જોશી (ભાભર, જિ. બનાસકાંઠા), ઉત્સવ અશોકભાઇ ચક્રવર્તી, પ્રિન્સ અનિલભાઇ જોશી (રહે. બંને સિદ્ધપુર-પાટણ), જય જગદીશભાઇ પટેલ (મહેસાણા), શાલીન ધીરજલાલ ઠક્કર (ભુજ), દીપકકુમાર સોમાલાલ ચૌહાણ (ડીસા, જિ. બનાસકાંઠાં), કિશન રામુભાઇ જોશી (મુડેઠા, તા. ડીસા) અને સુનલી વૃંદાવન દાસ (ઓરિસા)ને ઝડપી પાડયા હતા. આ જુગારખાનાંમાંથી ચાર કોમ્પ્યુટર-મોનિટર, બે સીપીયુ, ચાર લેપટોપ, આઇપેડ, ટેબ્લેટ, રાઉટર, ડોંગલ, 25 મોબાઇલ ફોન, 17 એટીએમ કાર્ડ, 18 બેંકના ખાતાંની 13 પાસબૂક અને 11 ચેકબૂક એમ કુલે રૂા. 2,98,000નો મુદ્દામાલ જપ્ત કરી એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારાની કલમ 4, 5 મુજબ ગુનો દાખલ કરાવાયો છે. આ કામગીરીમાં એલસીબીના પી.આઇ. એસ.એન. ચૂડાસમાનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ. આર. જેઠી, એ.એસ.આઇ. અનિરુદ્ધસિંહ રાઠોડ, કૃષ્ણદેવસિંહ ગોહિલ, સંજયકુમાર ગઢવી, હે.કો. રણજિતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, સુનીલકુમાર પરમાર, કોન્સ. જયદેવસિંહ જાડેજા, જીવરાજ ગઢવી, કલ્પેશભાઇ ચૌધરી અને ડ્રાઇવર મહેન્દ્રસિંહ જાડેજા તથા અશ્વિનભાઇ ગઢવી જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

Mukhya Samachar

ગામડાઓમાં થતાં દબાણને લીધે સ્થાનિક ગ્રામજનો પરેશાન March 28, Fri, 2025
dd