• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

પૂર્વ કચ્છમાં ઝડપાયેલાં આયુર્વેદિક સિરપનો પૃથક્કરણ રિપોર્ટ આવ્યો જ નથી

ગાંધીધામ, તા. 11 : પૂર્વ કચ્છ પોલીસે થોડા મહિના અગાઉ સમગ્ર વિસ્તારમાં આયુર્વેદિક પીણાના નામે વેચાતું ટોનિક પકડી પાડયું હતું. પકડાયેલા માલમાંથી નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ એકેય કાર્યવાહીના નમૂનાનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. બીજી બાજુ આવું ટોનિક બજારમાં હજુ પણ મળતું હોવાનું સપાટી ઉપર આવ્યું છે. પૂર્વ કચ્છ પોલીસે ગત વર્ષ દરમ્યાન આયુર્વેદિક પીણાના નામે વેંચાતા ટોનિક વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી હતી અને ગાંધીધામ, અંજાર, આદિપુર, ભચાઉ, સામખિયાળી વગેરે જગ્યાએથી કાર્યવાહી કરી હતી. પાન, મસાલાની દુકાનો, જનરલ સ્ટોર વગેરે જગ્યાએથી પોલીસે મોટી માત્રામાં આવી આયુર્વેદિક સિરપની બોટલો પકડી પાડી હતી. ખેડા-નડિયાદમાં ચારેક મહિના અગાઉ સિરપ પીવાના લોકોના મોત થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર પ્રસરી હતી બાદમાં ઠેર-ઠેર અંગે કાર્યવાહી કરાઈ હતી જ્યારે પૂર્વ કચ્છ પોલીસે પણ ફરીથી ઝુંબેશ હાથ ધરીને આવી સિરપની બોટલો હસ્તગત કરી હતી. અન્ય એક જિલ્લામાં આવી સિરપ ઝડપાઈ હતી. ત્યારે એફએસએલ રિપોર્ટમાં આવી સિરપમાં ઈથાઈલ આલ્કોહોલ અને આઈશાપ્રોપ્રાઈલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આવા રિપોર્ટના આધારે પોલીસે ગુના પણ દર્જ કર્યા હતા. આયુર્વેદિક પીણાના નામે લોકો ઝેર પી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દુકાનોમાં મળતું આવું ટોનિક શરીરને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પૂર્વ કચ્છ પોલીસે સામુહિક કાર્યવાહી કર્યા બાદ નમૂના લઈ પૃથક્કરણ અર્થે મોકલાવાયા હતા. પરંતુ આવી એકેય કામગીરીના પૃથક્કરણ રિપોર્ટ હજુ સુધી આવ્યા હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ત્યારે અંગે ફોલોઅપ લેવાય છે કે કેમ જેવા પ્રશ્નો પણ ઉછળીને બહાર આવ્યા હતા. બીજીબાજુ આવા અમુક કેફી સિરપ હજુ પણ બજારમાં લોકોને મળી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang