• શનિવાર, 21 નવેમ્બર, 2026

આદિપુરમાં નિવૃત્ત આર્મીમેનનું બુલેટ હડફેટે મોત

ગાંધીધામ, તા. 20 : આદિપુરમાં મદનસિંહ સર્કલથી કોલેજ બાજુ જતાં રોડ ઉપર પગપાળા જતાં સુનીલ ગોપાલ દત્તને બુલેટે હડફેટમાં લેતાં આ નિવૃત્ત આર્મીમેનનું મોત થયું હતું. બીજી બાજુ મુંદરાના ભોરારા નજીક પગપાળા જતા રઘુવીરસિંહ જોરૂભા સોઢા (ઉ.વ. 36)ને અજાણી બોલેરોએ ઉડાવતાં આ યુવાનનું બનાવ સ્થળે જ મોત થયું હતું તેમજ ભુજ-ખાવડા માર્ગ પર કાઠિયાવાડી હોટેલ પાસે બાઈકને કારે હડફેટે લેતાં મોહમદ મહેતાબ મુબારક હુસેન અંસારી નામના યુવાને જીવ ખોયો હતો. આદિપુરમાં રહેનાર આર્મી નિવૃત્ત સુનીલ દત્ત ઈફકો કોલોની ગાંધીધામમાં પેરેગ્રીન સિક્યુરિટી એજન્સીમાં કામ કરતા હતા. ગઈકાલે તેમની સવારે પાંચથી બપોરના એક વાગ્યા સુધીની પાળી હતી. આ જવાન પગપાળા મદનસિંહ સર્કલ બાજુ આવી રહ્યા હતા. નોકરીએ જવા નીકળેલા આ પરપ્રાંતીયને પાછળથી આવતી બુલેટ નંબર જી.જે. -39-જે-9997એ હડફેટમાં લીધો હતો. જેમાં બુલેટ ચલકને પણ ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સુનીલ દત્તને મૃત જાહેર કર્યા હતા. બુલેટ ચાલક સામે પ્રવીણસિંહ ભચુભા જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. વધુ એક બનાવ ગઈકાલે સાંજે ભોરારા પાટિયાથી પ્રાગપર ચોકડી તરફ જતાં ધોરીમાર્ગ પર ભોરારા નજીક બનાવ બન્યો હતો. ગામમાં રહેનાર રઘુવીરસિંહ નામનો યુવાન માર્ગ ઓળંગી રહ્યો હતો. દરમ્યાન અજાણી બોલેરોએ તેને હડફેટમાં લેતાં આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી જેમા તેનું બનાવ સ્થળે જ મોત થયું હતું. અકસ્માત નોતરી નાસી જનાર અજાણી બોલેરોના ચાલક સામે બહાદુરસિંહ જોરૂભા સોઢાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.  વધુ એક જીવલેણ બનાવ ભુજ-ખાવડા માર્ગ ઉપર કાઠિયાવાડી હોટેલની સામે બન્યો હતો. ભુજમાં રહેનાર ફરિયાદી મોહમદ હુસેન મોહમદ લતીફ અંસારી આ હોટેલ નજીક પંકચરની દુકાન ચલાવે છે. ગત તા. 15/11ના રાત્રે તેમનો દીકરો ફૈઝાન દુકાને હોવાથી તેને ટિફિન આપવા આ ફરિયાદી તથા તેમનો જમાઈ મોહમદ મહેતાબ બાઈક નંબર જી.જે. -12-એચકે-1713થી નીકળ્યા હતા. હોટેલ પાસે પહોંચવાના હતા તેવામાં પાછળથી આવતી કાર નંબર જી.જે.-12-સીટી-4017એ બાઈકને હડફેટમાં લેતાં બન્ને જમાઈ-સસરા નીચે ફંગોળાયા હતા. બન્નેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવાને દમ તોડી દીધો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd