• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

રચનાત્મક સહયોગ વધારવા `ક્વાડ' દેશોનો સંકલ્પ

ચીનનો જ્યાં લગાતાર વર્ચસ્વવાદી એજન્ડા અમલમાં હોય છે એ હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં બળ કે દબાણથી વર્તમાન પરિસ્થિતિ બદલવા સામે `ક્વાડ' દેશોની ચેતવણીનો મતલબ સ્પષ્ટ છે કે, બીજિંગની વિસ્તારવાદી નીતિ અને કથિત દાદાગીરીને કોઇ ચલાવી લેશે નહીં. હકીકતમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર વેપાર-વ્યવહાર ઉપરાંત સુરક્ષાની દૃષ્ટિએ પણ ભારે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીન આ ક્ષેત્રમાં વારંવાર ચંચુપાત કરીને પોતાની તલવાર વીંઝવાનો પ્રયત્ન કરતું રહ્યું છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ `ચાર દેશો'એ આ ક્ષેત્રમાં કાયમી શાંતિ, સ્થિરતા અને મુક્ત વ્યવહાર જળવાયેલો રહે એ સુનિશ્ચિત કરવા વ્યૂહાત્મક સુરક્ષા મંચની રચના કરી છે જેને ચતુષ્કોણીય સુરક્ષા સંવાદ-કવાડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ-`કવાડ' તરીકે ઓળખવામાં આવે છે.

ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં આયોજિત ક્વાડ શિખર સંમેલનના ઘોષણાપત્રમાં કોઇ દેશના નામોલ્લેખ વિના કેટલીક બાબતો સ્પષ્ટ કરવામાં આવી છે. એક તો ચારે દેશ અસ્થિરતા ઊભી કરતી એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કરે છે, ઉપરાંત મનસ્વી રીતે નિકાસ પ્રતિબંધો લાદીને આર્થિક દબાણ ઊભું કરતી યુતિઓને પણ કોઇ સ્થાન ન હોવું જોઇએ. `કવાડ' બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પની હાજરી આ સંગઠનની અગત્યતા દર્શાવે છે. થોડા વર્ષ પહેલાં હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન આપવાની જરૂરત જણાતાં 2007માં આ જ શહેર-મનીલામાં ચારે દેશના અધિકારીઓએ વિચાર-વિમર્શ કર્યો હતો, ત્યારબાદ દસ વર્ષ પછી 2017માં ફરીથી વાતચીતનો તંતુ સાધવામાં આવ્યો અને જ્યારે મનીલામાં ચારે દેશના રાષ્ટ્રાધ્યક્ષો મળ્યા તેનાથી એ પ્રમાણ મળ્યું છે કે, આ ક્ષેત્રની સુરક્ષા અને પોતાના હિતોના રક્ષણ માટે `કવાડ' એકદમ ગંભીર છે.

અહીં એ નોંધનીય છે કે, ચીનને `ક્વાડ'ની રચના અને પ્રવૃત્તિ પહેલેથી નાપસંદ છે. એ આ સંગઠનને પોતાના વિરોધની ઝુંબેશ હોવાનું માનતું રહ્યું છે. `કવાડ'ની અધ્યક્ષતા ભારતે કરવાની હતી. ગયા વર્ષે જ ભારતે શિખર સંમેલનની યજમાનીનું આયોજન કર્યું હતું્, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળતાં જ ટેરિફ, પેટ્રોલ તેમજ શાંતિના નોબેલ એજન્ડા આગળ ધરીને ઇરાન યુદ્ધમાં પરોવાઇ ગયા હતા, એટલે `ક્વાડ'ની બેઠક ઠેલાતી રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સંગઠન માટે ખૂબ આશાવાદી જણાય છે. તેમણે આ સંગઠનને રચનાત્મક અને ભરોસામંદ લેખાવતાં કહ્યું કે, દરિયાઇ સુરક્ષા, વિશ્વસનીય સપ્લાય ચેઇન, નવી ટેક્નોલોજી અને આપત્તિ વ્યવસ્થાપન જેવાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવાનો વ્યાપક અવકાશ છે.

આ બેઠકની પાશ્ચાદભૂમાં મોદીની ટ્રમ્પ સાથેની બેઠક મહત્ત્વપૂર્ણ રહી. ઘરઆંગણે મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ્સના શાનદાર દેખાવથી ટ્રમ્પની તાકાત ક્ષીણ થઇ છે. મોદી પ્રત્યે તેમણે હંમેશની જેમ સ્પેશિયલ ટિપ્પણી કરીને તેમને મજબૂત નેતા લેખાવ્યા. ક્વાડની મનીલા શિખર બેઠક મહત્ત્વપૂર્ણ રહી. આ સંગઠન કોઇ દેશ પર દબાણ ઊભું કરવાથી દૂર રહીને પારસ્પરિક સહયોગ સાધીને રચનાત્મક ભૂમિકા નિભાવી રહ્યું છે. ચારે દેશો ચીન સાથેના પોતાના દ્વિપક્ષીય સંબંધોને અલગ રાખીને સામૂહિક હિતો પર ધ્યાન કેન્દ્રિત કરે એ જરૂરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd