• બુધવાર, 18 નવેમ્બર, 2026

લલિત `કળા'

આઈપીએલના ભૂતપૂર્વ ચેરમેન અને આર્થિક ગેરરીતિના આરોપી અને ભાગેડુ લલિત મોદીને સ્વદેશ પરત લાવવાની દિશામાં 16 વર્ષ પ્રયત્નો છતાં પ્રગતિ થઈ નહીં અને હવે તેમણે બ્રિટિશ નાગરિકત્વ મેળવી લેતાં, આ કામ વધુ કપરું થયું છે. અન્ય દેશની સિટીઝનશિપ મેળવવા સાથે તેમનું ભારતીય નાગરિકત્વ આપોઆપ રદ થઈ ગયું છે. જો કે, નિષ્ણાતોના મતે બ્રિટિશ નાગરિકત્વ મેળવવાથી લલિત મોદીને ભારતમાં થનારી તપાસમાંથી પૂરેપૂરી મુક્તિ મળવાની નથી. હા, તેમને હવે બ્રિટન દેશનિકાલ તો નહીં જ કરે. છેલ્લાં 16 વર્ષથી ભારત સરકાર લલિત મોદી, વિજય માલ્યા અને નીરવ મોદી જેવા આર્થિક ગુનેગારોને સ્વદેશ પરત લાવવા પ્રયત્નશીલ છે છતાં એવી વ્યક્તિ જેની સામે ભારતમાં બિનજામીનપાત્ર વોરન્ટ જારી થયું છે, તે બ્રિટનની કાયદાકીય પ્રક્રિયાઓના આટાપાટા પાર કરી કાયમી નાગરિકત્વ મેળવી લે એ આપણી રાજદ્વારી અને કાનૂની વ્યૂહરચનાની મર્યાદાઓ છતી કરે છે. આ પહેલાં 2025માં લલિત મોદીએ પ્રશાંત મહાસાગરમાંના ટાપુ દેશ વાનુઅતુનું નાગરિકત્વ મેળવી ભારતીય પાસપોર્ટ જતો કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ વખતે ભારતના રાજદ્વારી પ્રયાસોને કારણે વાનુઅતુના વડાપ્રધાને તેમનો પાસપોર્ટ રદ કરી દીધો હતો. જો કે, બ્રિટન જેવો દેશ આ નૈતિકતા દાખવી શક્યો નથી. એમ તો વિજય માલ્યા અને નીરવ મોદી ઉપરાંત સંરક્ષણ સોદામાં કમિશન અને મની લોન્ડારિંગ કેસમાં વોન્ટેડ આરોપી સંજય ભંડારી, 1993ના સુરત બોમ્બ ધડાકા કેસનો આરોપી ટાઈગર હનીફ તથા નેવી વોર રૂમ લીક કેસમાં વોન્ટેડ નૌકાદળનો ભૂતપૂર્વ અધિકારી પણ હાલ બ્રિટનમાં છે. બ્રિટને 2022માં ટાયાર વન ઈન્વેસ્ટર વિઝા નામની યોજના સત્તાવાર બંધ કરી છે, જેમાં 20 લાખ પાઉન્ડ એટલે કે આશરે રૂા. 21 કરોડનું રોકાણ કરનારને બ્રિટનમાં રહેવાની છૂટ મળતી હતી. બ્રિટિશ ગૃહ મંત્રાલયના 2025ના અહેવાલ મુજબ બ્રિટનમાં વિદેશી મૂળના એવા 19,000 ગુનેગાર વસે છે જેમની સામે દેશનિકાલના આદેશ છે.

લલિત મોદીને પરત લાવવાના પ્રયાસોમાં એક પણ સરકારને સફળતા મળી નથી અને એમાંય અવારનવાર જાહેરમાં દેખા દઈ તથા પ્રસાર માધ્યમોને મુલાકાતો આપી તેઓ જાણે કે ભારતને પડકારતા હોય છે. મોદી સામે ભારતીય ક્રિકેટ બોર્ડે રૂા. 468 કરોડની ઉચાપતનો આરોપ મૂક્યો છે, તો આઈપીએલના મીડિયા પ્રસારણ હક્કો તથા ટેન્ડર ફાળવણીમાં ગેરરીતિ, વિદેશી હૂંડિયામણ કાયદાનો ભંગ તથા ઈડીએ મની લોન્ડારિંગ તથા રાજસ્થાનમાં સ્થાનિક ક્રિકેટ એસોસિયેશનમાં નાણાકીય ગેરરીતિઓ, ચેક બાઉન્સિંગ અને ઐતિહાસિક હલેવીઓની ગેરકાયદે ખરીદી જેવા મામલા પણ તેમની સામે બોલે છે. આમ છતાં, તેઓ 15 વર્ષથી બ્રિટનમાં રહેતા હોવાથી નાગરિકત્વ મળી જવું એ દેખાડે છે કે વૈશ્વિક સ્તરે આર્થિક ગુનેગારો માટે કાયદાનાં છીડાં નહીં આખો રાજમાર્ગ અસ્તિત્વમાં છે. ભારત સરકારે અત્યારે કોઈ પ્રતિક્રિયા આપી નથી, પણ બ્રિટિશ કાયદા-અદાલતોના કડક માપદંડો અનુસાર નક્કર પુરાવા, તહોમતનામા સાથેનો કેસ તૈયાર કરવા પર જોર લગાડવું જોઈએ, જેથી આ એક કેસ અન્ય ભાગેડુઓ માટે પૂર્વ દાખલો ન બની જાય.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd