ભાર્ગવ પરીખ દ્વારા : અમદાવાદ, તા. 20 : આંગડિયામાં પૈસાની લેવડ દેવડ માટે થોડા રૂપિયા બચાવવા ઓન લાઈન આંગડિયાથી પૈસાનો વ્યહવાર કરતા વેપારીઓ હવે અસલી બેન્કનો સિક્કો લગાવી નકલીનોટોના બંડલો આપી લાખ્ખોનો ચૂનો લગાવી રહ્યા છે, અમદાવાદ પોલીસે આંગડિયાના નામે નકલી નોટો પકડાવતા ત્રણ લોકોની ધરપકડ કરી તપાસ કરતા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના વેપારીઓના પૈસા ચાઉં કરી જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઊંઝાના જીરાના વેપારી રોહિત પટેલે નાગપુરના વેપારીને 40 લાખનું જીરું અને વરિયાળી વેચી હતી . આ વેપારી પાસેથી 40 લાખ લેવાના હતા એ વેપારીએ ઓનલાઇન આંગડિયા મારફતે ઊંઝા પૈસા મોકલવાનું કહ્યું હતું, ત્યારબાદ રોહિત પટેલ પર વોટ્ટસ એપ કોલ આવ્યા હતા, કે એમનો માણસ 40 લાખ લઈને ઊંઝામાં મળશે. ઊંઝા આવેલા માણસે એક થેલામાં 500ની નોટોના બંડલ દેખાડ્યા, ઉપર એક જાણીતી ખાનગી બેન્કના સિક્કા લાગેલા હતા, એટલે આંગડિયા પર ભરોસો મૂકી પૈસા લઇ લીધા અને દુકાને જઈને જોયું તો તમામ નોટો ચીલ્ડરન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલું હતું, ત્યારબાદ આ વેપારીના ભાણિયાના નામે પૈસા મંગાવ્યા, અને એક વાર છેતરાયેલા વેપારી એ પોલીસને જાણ કરતા ટ્રેનની ધરપકડ કરાઈ છે. ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એચડી જોશીએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યુકે, નોઈડા અને રાજસ્થાનના આ ભેજાબાજોએ ઓનલાઇન આંગડિયા ના નામે સસ્તામાં રોકડા રૂપિયાની લેવડદેવડ કરતા હતા, અમે રણચંદ શર્મા, ગજાનંદ શર્મા અને રાહુલાસિંઘ ઠાકુરની ધરપકડ કરી છે, પ્રાથમિક તપાસમાં આ લોકોએ માત્ર ઉત્તર ગુજરાત જ નહિ સૌરાષ્ટ્ર કચ્છ ના વેપારીઓને પણ નકલી નોટો પધરાવી હોવાનું જણાયું છે, ઘણા વેપારી બિલ વગર સમાન વેચી કાળા નાણાંનો વ્યવહાર કરે છે એ લોકો ફરિયાદ નોંધાવતા નહિ હોવાથી એમની હિંમત ખુલી ગઈ હતી, અમને મળેલા કેટલાક ફોન નંબર ના આધારે સૌરાષ્ટ્ર, કચ્છ ના વેપારીઓનો સંપર્ક કરી એમને બીજા કેટલા લોકોને છેતર્યા છે એની પણ તપાસ કરી રહ્યા છીએ.