ભુજ, તા. 20 : અદાણી સંચાલિત જી. કે. જનરલ હોસ્પિટલમાં ઓન્કોલોજી સર્જન તરીકે ડો. મંથન ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. આ નિયુક્તિથી કચ્છના કેન્સરના દર્દીઓને હવે કેન્સરના નિષ્ણાત સર્જનની સારવાર સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે સાથે તેઓ આસિ. પ્રોફેસર તરીકે પણ વરાયા હોવાથી મેડિકલ કોલેજના છાત્રોને ઓન્કોલોજી જેવા અતિ મહત્ત્વના વિષયનું પ્રત્યક્ષ જ્ઞાન મળશે. વિશાળ જિલ્લામાં અત્યાર સુધી કેન્સરની સારવાર માટે દર્દીઓને બહાર જવું પડતું ત્યારે લાંબી મુસાફરી, ખર્ચ અને માનસિક તાણ દર્દી અને પરિવાર માટે ભારે બોજ બનતા હતા. હવે ભુજમાં જ આ સુવિધા ઉપલબ્ધ થતાં સ્થાનિક કક્ષાએ જ નિદાન, સર્જરી અને ફોલોઅપ સારવાર શક્ય બનશે. જી.કે. જનરલ હોસ્પિટલમાં દરેક પ્રકારના કેન્સરની સર્જરી- જેમાં છાતી, પેટ, પેશાબ, ગર્ભાશય, અંડાશય અને હાડકાના તેમજ બાળકોના કેન્સરની સર્જરી પણ કરાશે.ડો. મંથન ઠક્કરે ભુજ અદાણી મેડિકલ કોલેજમાંથી જ એમબીબીએસ કર્યું છે. વી.એસ. હોસ્પિટલ અમદાવાદમાંથી એમ.એસ. કર્યા બાદ કેન્સર સર્જરીની તાલીમ ટાટા હોસ્પિટલ મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા ડો. બી. બોરુઆહ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં ચાર વર્ષ સુધી સેવા આપી, કેન્સરની સર્જરીનો અનુભવ મેળવ્યો છે. આ નિમણૂક સાથે જી.કે. જનરલ હોસ્પિટલનો કચ્છને આરોગ્ય ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો ધ્યેય વધુ મજબૂત બન્યો છે.