ભુજ, તા. 20 : સવાયા કચ્છી અને પીઢ પર્યાવરણવિદ્ જુગલ કિશોર તિવારીના મોટી વિરાણી સ્થિત સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓશન (સેડો)ને આજે મેઘાલયની રાજધાની શિલોંગમાં વિરામ પામેલી વૈશ્વિક પર્યટન શિખર બેઠકમાં પ્રાકૃતિક સંરક્ષણ ક્ષેત્રે ટકાઉ નેતૃત્વનું રજત ચંદ્રક સન્માન પ્રાપ્ત થયું હતું. શ્રી તિવારીએ આ શિખર બેઠકમાં ભાગ લઈ સન્માન સ્વીકાર્યું હતું. શિલોંગ ખાતે ગઈકાલે અને આજે એમ બે દિવસ માટે આયોજિત દેશની પહેલી વૈશ્વિક પર્યટન શિખર બેઠકના વિવિધ સત્રોમાં વિશ્વના જાણીતા પર્યટન વિદ્વાનો અને અગ્રણીઓએ સંબોધન કર્યું હતું જેમાં એશિયન ઈકોટૂરિઝમ નેટવર્કના અધ્યક્ષ આર્ય સેંડજાજા સુહાંડી, ગૂડ ટ્રાવેલ એલાયન્સના યુરોપ કો-ઓર્ડિનેટર કિરસી હાયવેરિનોન, એશિયન ઈકોટૂરિઝમ નેટવર્કના સ્થાપક પ્રમુખ માસારૂ તાકાયામા, હોલિડે ઈન રૂરલ ઈન્ડિયાના સ્થાપક સોફી હાર્ટમેન અને હિમાલયન ઈકોટટૂરિઝમના સ્થાપક અને એમડી સ્ટીફન માર્શલનો સમાવેશ થાય છે. આઈઆરટીએ (ઈન્ડિયન રિસ્પોન્સિબલ ટૂરિઝમ એવોર્ડ) એ પર્યટન ક્ષેત્રનું પ્રતિષ્ઠિત સન્માન લેખાય છે અને છેલ્લા એક દશકથી તે ભારતમાં પર્યટનના ભવિષ્યને સુદૃઢ બનાવવા મથી રહેલા લોકો, સંસ્થા અને સ્થળોને પુરસ્કાર આપી સન્માનિત કરે છે. આ વર્ષે આ એવોર્ડને દસ વર્ષ પૂર્ણ થયાં હતાં. `સેન્ટર ફોર ડેઝર્ટ એન્ડ ઓશન' (સેડો) એ ગુજરાતના કચ્છમાં આવેલા મોટી વિરાણીમાં સ્થિત એક પર્યાવરણ-અનુકૂળ હોમ સ્ટે, પક્ષીદર્શન કેન્દ્ર અને સંરક્ષણ કેન્દ્ર છે. જાણીતા પર્યાવરણવિદ્ અને પક્ષી તજજ્ઞ જુગલ કિશોર તિવારી અને શિવમ તિવારી દ્વારા 2005માં સ્થાપિત આ સંસ્થા વન્યજીવ સંરક્ષણ, સ્થાનિક વનસ્પતિઓનાં સંવર્ધન અને પ્રકૃતિ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે.કે. તિવારીના નામથી જાણીતા જુગલ કિશોર તિવારીએ કચ્છમાં વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કર્યું છે. તેમણે આ સન્માન બદલ આનંદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, કચ્છની ધરતીએ તેમને હંમેશાં કાર્ય સંતોષ આપ્યો છે.