ભુજ, તા. 20 : કારતક માસ અડધો વીતવાને આરે છે ત્યારે પહાડી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર તળે રાજ્યની સાથે કચ્છમાં પણ ઠંડીની ચમકે પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. કચ્છી કાશ્મીર નલિયામાં લઘુતમ પારો ત્રણ ડિગ્રી ગગડીને 14, તો કંડલા (એ.)માં બે ડિગ્રીના ઘટાડા સાથે 15.3 ડિગ્રીએ પહોચતાં નલિયા, અંજાર-ગાંધીધામ વિસ્તારમાં વર્તમાન શિયાળાની સિઝનનો સૌથી ઠંડો દિવસ અનુભવાયો હતો. બે-એક દિવસ આ સ્થિતિ યથાવત્ રહ્યા બાદ પુન: પારો ઊંચકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં લઘુતમ પારો ગગડે તેવી હવામાન વિભાગે આગાહી કર્યા બાદ વીતેલા ત્રણ દિવસમાં અડધોથી ચાર ડિગ્રી પારો ગગડયો છે. જિલ્લામાં ખાસ કરીને સાંજ ઢળ્યા બાદ નોંધનીય રીતે અનુભવાતા ઠંડીના ચમકારાના કારણે મોડીરાત્રિથી લઇ વહેલી સવાર સુધીના ગાળામાં કામસર બહાર નીકળતા લોકો ગરમ વત્રોમાં સજ્જ જોવા મળી રહ્યા છે. નલિયામાં 14 અને કંડલા (એ.)માં 15.3 ડિગ્રી ઉપરાંત જિલ્લા મથક ભુજમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ પારો 18.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જિલ્લા મથક માટે વર્તમાન શિયાળાની સિઝનનો આ સૌથી ઠંડો દિવસ છે. શિયાળાનું વિધિવત આગમન થયા બાદ પ્રથમવાર જિલ્લાના તમામ મથકોમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે ઊતર્યું છે, તો મહત્તમ તાપમાન પણ ઘટીને 33-34 ડિગ્રી નોંધાતાં દિવસના સમયે અનુભવાતું ગરમીનું પ્રમાણ ઘટેલું જોવા મળતાં વાતાવરણીય વિષમતામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાતોના મતે કચ્છમાં હવે શિયાળાનું વિધિવત આગમન થઇ ચૂક્યું છે. જો કે, કડકડતી ઠંડી માટે હજુ ડિસેમ્બરના પ્રથમ પખવાડિયા સુધી રાહ જોવી પડશે તેવું હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે.