કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : ટેનિસપ્રેમીઓ માટે ગોલ્ડન ટાઇમ આવી પહોંચ્યો
છે. સોમવાર 29મી જૂનથી વર્ષની ત્રીજી ગ્રાન્ડસ્લેમ-વિમ્બલ્ડનનો
પ્રારંભ થશે. ઓલ ઇંગ્લેન્ડ લોન ટેનિસ ક્લબ ખાતે રમાતી આ સ્પર્ધાનો ઠસ્સો અનેરો છે.
પેરિસમાં રેડ ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપન રમાય એના બે-ત્રણ અઠવાડિયા બાદ વિમ્બલ્ડન શરૂ
થાય... તદ્દન ભિન્ન માહોલ. ક્લે કોર્ટ પર લાંબી રેલી ચાલે... પેરિસની પારાવાર ગરમી
ખેલાડીઓની શારીરિક ક્ષમતાની કસોટી કરી જાય, પણ વિમ્બલ્ડન ગ્રાસ કોર્ટ પર રમાય. તેજ તર્રાર સર્વિસ અને શોટ્સ સીધા પોઇન્ટ
અપાવે... એકદમ શિસ્તબદ્ધ માહોલ. ખેલાડીઓ માટે પણ સફેદ વત્રો ફરજિયાત. વિમ્બલ્ડનના માહોલમાં
કચ્છના દિવંગત મહારાવ મદનસિંહજી અને એમનો ટેનિસપ્રેમ અવશ્ય યાદ આવે. મહારાવ મદનસિંહજીએ
આંતરરાષ્ટ્રીય સ્તરે વિમ્બલ્ડન જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું
હતું. તેઓ 1934થી 1937 દરમ્યાન મેન્સ સિંગલ્સ અને
ડબલ્સમાં રમ્યા હતા. મદનસિંહજી દેશના એકમાત્ર એવા રાજવી હતા જેમના માટે વિમ્બલ્ડનની
સેન્ટર કોર્ટમાં બે સીટ અનામત રખાતી. રમવાનો શોખ અને આનંદ લેવા ઉપરાંત તેઓ કચ્છમાં
ટેનિસના વિકાસ માટે ઉત્સુક હતા અને કેટલાય ખેલાડીઓને વિમ્બલ્ડન સ્પર્ધા નિહાળવા ઇંગ્લેન્ડ
લઇ ગયા હતા. મહારાવ મદનસિંહજી વિશેની આ વાતો જૂની પેઢીના લોકો જાણે છે, પરંતુ ટેનિસનું આકર્ષણ કેમ જાગ્યું
? કોણે તાલીમ આપી ? વિમ્બલ્ડન રમવાનું કઇ રીતે
બન્યું એ વિગતો તેમણે `વતનનો વાર્તાલાપ' પુસ્તકમાં રસપ્રદ રીતે ઉલ્લેખી છે. મદનસિંહજીની
શૈલી રસાળ છે. અહીં એમનાં પુસ્તકમાંથી ટેનિસ પ્રકરણનો કેટલોક સારાંશ યથાવત્ મૂક્યો
છે. `મારા અભ્યાસના વિવિધલક્ષી કાર્યક્રમો સાથે
મેં મારા એક શોખને આત્મસાત્ કરી લીધો. એ શોખનું નામ-`ટેનિસ.' ટેનિસ તરફ મારી એટલી બધી દિલચસ્પી
અને અભિરુચિ કેમ જાગી ગઈ એ તો હું પોતે પણ જાણી શકતો નથી. ટેનિસનો મને રંગ લગાડનાર
કચ્છ રાજ્યના એક વખતના કંડલા સોલ્ટવર્કનાં સ્થાપક સર જેફ્રી આર્ચર હતા. આ આર્ચર સાહેબ
પહેલાં બ્રિટિશ હકૂમત તળેના સુદાનના ગવર્નર જનરલ હતા. હું જ્યારે મારા દાદા સાથે સુદાન
ગયેલો ત્યારે આ આર્ચર સાહેબ સાથે મારો પ્રથમ પરિચય થયો, ત્યાં
ટેનિસની મારી રમત જોઈને આર્ચર સાહેબ મુગ્ધ બની ગયા. એમણે મારામાં એવું કંઈક જોઈ લીધું
કે એ દિશામાં આગળ વધવા મને ઉત્તેજિત કરવા લાગ્યા-પ્રેત્સાહન આપવા લાગ્યા. માત્ર પ્રોત્સાહન
આપીને ખસી ગયા નહીં, 5ણ ટેનિસ રમવાની
મારી નૈસર્ગિક શક્તિને વિકસિત કરીને તેમાં નિપુણતા કેમ પ્રાપ્ત કરી શકું તેનું માર્ગદર્શન
પણ આપવા લાગ્યા, કારણ કે, ટેનિસની રમતમાં સફળ થવા માટે જે પ્રકારના શારીરિક બંધારણની જરૂર છે તેવો જ
શારીરિક બાંધો હું ધરાવતો હતો. હું જ્યારે 17 વરસની ઉંમરનો હતો ત્યારે મારા શરીરનો બાંધો એકવડો હતો, છતાં ચપળતા ખૂબ હતી. ઊંચાઈ 5ણ જેટલી જોઈએ તેટલી જ હતી. હાથનાં કાંડાંમાં
શક્તિ અને બાહુમાં તાકાત ભરાવા લાગી હતી. ટૂંકમાં ટેનિસ રમત માટેની તમામ યોગ્યતા મારા
શરીરમાં હતી. આર્ચર સાહેબના ઉત્તેજનથી ટેનિસ રમવાનું મેં જોરશોરથી ચાલુ કરી દીધું.
પછી તો ટેનિસની રમતમાં હું એઁવો તો ઓતપ્રોત થઈ ગયો કે ટેનિસ મારા જીવનનું એક અંગ બની
ગઈ. ટેનિસની રમતના મારા પ્રથમ કોચ હતા રંગારાવ. એમની દોરવણી નીચે હું ટેનિસમાં ધીમેધીમે
આગળ વધતો જતો હતો. રંગારાવ મને કહેતા કે, `તમે ટેનિસ રમવાનું જરા મોડું શરૂ કર્યું.
જરા વહેલા જાગ્યા હોત તો ટેનિસ ખેલવાની તમારી શક્તિ અને તમારી એકાગ્રતા એવા છે કે, તમે આખી દુનિયાની ટેનિસની રમતના પ્રથમ પંક્તિના
ખેલાડી બની શક્યા હોત.' મને આ શબ્દોનો માર લાગ્યો અને મેં ગુમાવેલાં
વરસોનું સાટું વાળવા ખૂબ જ ખ્યાલથી ટેનિસ રમવાનું ચાલુ કરી દીધું. દિન-પ્રતિદિને મારા
કાર્યમાં હું તલ્લીન બનીને પ્રગતિ સાધવા લાગ્યો. કચ્છના હોમ ગ્રાઉન્ડ પર તૈયાર થઈને
હું મુંબઈ, દિલ્હી, કલકત્તા વગેરે શહેરોમાં
ટેનિસની મેચોમાં ભાગ લેવા લાગ્યો. કલકત્તામાં રચાયેલી `સાઉથ ક્લબ કલકત્તા' ટેનિસ સ્પર્ધામાં મેં ભાગ લીધો અને તેમાં અમુક
અંશે સફળ થયો. ભારત ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈને ભારત બહાર યુરો5માં 5ણ ટેનિસની રમતમાં હું ભાગ લેતો થયો. લંડનમાં હું ટેનિસ ખૂબ રમતો.
ટેનિસ માટે વિશ્વવિખ્યાત વિમ્બલ્ડન ટેનિસ ક્લબનો મેમ્બર થયો અને આજે પણ છું. આ ક્લબનો
મેમ્બર થયો અને તરત જ મને બહારના સારા-સારા કાબેલ ખેલાડીઓ જોડે રમવાનો મોકો મળી ગયો.
એ અરસામાં ઇંગ્લેન્ડમાં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ માટે યોજાયેલી સ્પર્ધામાં પોતાના ખેલાડીઓને
મોકલવા ભારતને આમંત્રણ મળ્યું. એ વખતે ટેનિસના સારા-સારા ખેલાડીઓ ભારતમાં મોજૂદ હતા, પણ વાત એમ હતી કે, ભારતની
ટેનિસ કલબ ભારતના ખેલાડીઓને પોતાના ખર્ચે `િવમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ સ્પર્ધા'માં મોકલવા તૈયાર ન હતી. મારી હાજરી એ વખતે લંડનમાં
જ હતી. મને વિચાર આવ્યો કે, મારે દેશ વતી ભાગ લેવો જોઇએ. મેં
મારો આ વિચાર ભારતની ટેનિસ કલબ પાસે રજૂ કર્યો. મારા વિચારને ભારતની ટેનિસ ક્લબે વધાવી
લીધો અને નક્કી કરવામાં આવ્યું કે, ખર્ચનો બોજ જો ક્લબ ઉપર પડતો
ન હોય તો કચ્છના રાજકુમાર મદનસિંહજીને વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં ભાગ લેવા ભારતના
ખેલાડી તરીકે ચૂંટીને મોકલવા. હું તો તૈયાર જ હતો. ભારતના ખેલાડી તરીકે આ હરીફાઇમાં
ભાગ લેવાના ગૌરવ માટે મને આનંદ થયો. યોગ્ય સમયે આ હરીફાઇમાં ભાગ લેવા હું પહોંચી ગયો.
મારી રમતથી ત્યાંના ઉત્તમોત્તમ ખેલાડીઓ વચ્ચે કચ્છનું નામ મેં પ્રસિદ્ધ કર્યું અને
તેની સાથે ભારતનું નામ પણ જોડાઇ જાય એ સ્વાભાવિક છે. યુરોપના નોર્વેમાં ભારતીય એમ્બેસેડર
તરીકે મારી નિમણૂક કરવામાં આવી. આ સ્થાન પર સન 1957થી 1960 દરમ્યાન પણ મારી ટેનિસની રમત
તો ચાલુ જ રહી હતી. ત્યાંની જુદી-જુદી ટેનિસ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું પણ ચાલુ હતું.
નોર્વેમાં પણ બીજા દેશોની માફક `વેટરન્સ કપ' ટેનિસ ચેમ્પિયનશિપની હરીફાઇ થાય છે,
તેમાં પણ મેં ભાગ લીધો છે અને એ હરીફાઇમાં વિજયવંત થઇને વેટરન્સ કપનો
અધિકારી પણ બન્યો છું. ટેનિસના મારા શોખને લીધે, હકીકતો રજૂ કરવાના
કારણે અછૂટકે થોડા આત્મશ્લાઘાના બે શબ્દો પણ લખાઇ ગયા છે, જે
માટે દરગુજર ચાહું છું.' વ્યક્તિ ગમે તે સ્તરની હોય, ગમે તેટલા મોટાં પદની જવાબદારી નિભાવતી હોય... પોતાનો શોખ તો હોવાનો જ. મદનસિંહજીના
ઉપરોક્ત ખેલદિલીભર્યાં લખાણમાં પારદર્શિતા, સરળતા અને રમત પ્રત્યેનો
છલોછલ પ્રેમ વર્તી શકાય છે.