કાબુલ, તા. 27 : અફઘાનિસ્તાનના હિંદૂકુશ ક્ષેત્રમાં
શનિવારે સાંજે 6.2ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો
હતો. જેનો અનુભવ પાકિસ્તાન, ભારતના ઉત્તરી
ભાગ, ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તુર્કમેનિસ્તાન સહિત ઘણા દેશોમાં થયો હતો. રાષ્ટ્રીય
ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૂર્વોત્તર અફઘાનિસ્તાનના કાલાફગાનથી
અંદાજીત 81 કિમી દૂર
જમીનની સપાટીથી 215 કિમીની ઉંડાઈએ
હતું. ભૂકંપનું કેન્દ્ર વધારે ઉંડાણમાં હોવાના કારણે તેનો અનુભવ દૂર સુધી થયો હતો.
દિલ્હી-એનસીઆરમાં પણ અમુક સેકન્ડ સુધી ધરતીકંપનો અનુભવ થયો હતો. જો કે આ આફતમાં કોઈપણ
પ્રકારના જાનમાલના નુકસાનની તત્કાળ સુચના સામે
આવી નહોતી. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર જમીનની સપાટીથી વધારે ઉંડાઈ ભૂકંપના ઝટકા વ્યાપક
વિસ્તારમાં અનુભવાય છે. જો કે નુકસાન અપેક્ષાકૃત ઓછું રહેવાની સંભાવના હોય છે. અફઘાનિસ્તાનનો હિંદૂકુશ વિસ્તાર ભૂકંપની
દ્રષ્ટિએ ખુબ જ સંવેદનશીલ છે. જયાં ભારતીય અને યૂરેશિયન ટેક્ટોનિક પ્લેટની ટક્કરના
કારણે સતત ભૂકંપ આવતા રહે છે. દિલ્હી ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં પણ ભૂકંપનો અનુભવ થયો
હતો અને લોકો ડરીને ઘર અને ઓફિસની બહાર સડક તેમજ ખુલ્લી જગ્યા તરફ ભાગ્યા હતા. જમ્મુ
કાશ્મીર પણ ભૂકંપ મામલે સંવેદનશીલ છે અને સમયાંતરે હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપ
આવતા રહે છે. આ અગાઉ 27 જૂને ભારતના
હિમાચલ પ્રદેશના ચંબા જીલ્લામાં પણ 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. - વેનેઝુએલામાં
ફરી 4.9ના ભૂકંપથી લોકોમાં ભય : કારાકાસ,
તા. 27 : દક્ષિણ અમેરિકી
દેશ વેનેઝુએલામાં શનિવારે સવારે ફરી ભૂકંપ આવતાં લોકોમાં ભય ફેલાયો હતો. 4.9ની તીવ્રતાના ભૂકંપથી રાજધાની
કારાકાસ તેમજ મારાકેમાં આંચકા અનુભવાયા હતા. વિનાશક ભૂકંપથી ધ્વસ્ત થયેલી ઈમારતોના
કાટમાળમાંથી મૃતદેહોને કાઢવાની કવાયતથી ચોમેર કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. 51 હજારથી વધુ લોકો લાપતા બન્યા
છે, તો એક હજાર જેટલાં મોત થઈ ચૂક્યાં છે અને હજુ
મરણાંક વધવાની ભીતિ છે. ભૂકંપમાં 3,360થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે.