• રવિવાર, 28 જૂન, 2026

ગાંધીધામમાં મરંમત પાછળ 6.04 કરોડ ખર્ચાયા છતાં રસ્તા પર ખાડા

ગાંધીધામ, તા. 27 : ગુજરાતની અન્ય મહાનગર-પાલિકાઓ કરતા ગાંધીધામમાં વિચિત્ર સ્થિતિ છે. અહીં નગરપાલિકા સમયથી આવતી સમસ્યાઓ હજુ પણ યથાવત્ છે. ખાસ કરીને લોકોને જે માળખાંગત સુવિધાઓ મળવી જોઈએ, તેનો અભાવ છે, એક એપ્રિલ 2025થી લઈને 31 માર્ચ 2026 દરમિયાન માર્ગોની મરંમત અને સુધારણા પાછળ 6,04,57,921 રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતાં માર્ગો ઉપર ખાડાઓ યથાવત્ છે, વરસાદમાં સ્થિતિ ગંભીર બનવાની ભીતિ છે ખાડાઓ શહેરીજનો માટે જોખમી બની શકે છે, મહાનગરપાલિકાના એન્જિનીયારિંગ વિભાગની અને અધિકારીઓની નિષ્ફળતાનું પરિણામ લોકોને ભોગવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. એક જાન્યુઆરી 2025ના મહાનગરપાલિકા બની છે લગભગ દોઢ વર્ષનો સમયગાળો વીતી ગયો છે. છતાં સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. શરૂઆતના નવ મહિના દરમિયાન વિકાસલક્ષી કોઈ કામગીરી થઈ ન હતી.  મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરુવાણી આવ્યા બાદ ધડાધડ આયોજન કરીને કરોડો રૂપિયાના કામો શરૂ કરાવ્યાં હતાં તેવામાં તેમની બદલી થઈ છે અને હાલના સમયે આખો વહીવટ ખાડે જઈ રહ્યો છે. હાલના સમય નિષ્ણાત અને અનુભવી એન્જિનીયરોનો અભાવ છે, તેના પરિણામે જ મુખ્ય તેમજ આંતરિક માર્ગો ઉપર ખાડાઓ યથાવત્ છે. વર્ષ 2025-26નાં બજેટમાં રસ્તાઓની મરંમત અને સુધારણા માટે 2.50 કરોડ રૂપિયાના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી, તેની સામે વહીવટી તંત્રએ વર્ષ દરમિયાન જોગવાઈ કરતા અનેક ગણો ખર્ચ કરી નાખ્યો છે. કુલ 6,04,67,921 રૂપિયાનો ખર્ચ કર્યો છે છતાં લગભગ માર્ગો ઉપર ખાડાઓ યથાવત્ છે. વર્ષ 2026-27નાં બજેટમાં ખર્ચ વધારીને માર્ગ મરંમત અને સુધારણા માટે પાંચ કરોડના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. - બજેટ આવશે એટલે ખાડા પૂરાશે : ગાંધીધામ - આદિપુરના લગભગ રસ્તાઓ પર ખાડાઓ છે, તેનાથી પરેશાન થઈને લોકો ઓનલાઈન ફરિયાદો કરીને ખાડાઓ બુરવાની માંગ કરે છે, ત્યારે તેમને હાલમાં બજેટ નથી જ્યારે બજેટ આવશે, ત્યારે ખાડાઓ પૂરાશે તેવા જવાબો આપવામાં આવી રહ્યા છે. માય ગાંધીધામ એપ ઉપર લોકો ફરિયાદ કરે છે અને આવા જવાબો આપવામાં આવે છે, તો આગામી વરસાદ પહેલાં ખાડા નહીં પુરાય, તો આ શહેરમાં શું સ્થિતિ સર્જાશે અને લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. કમિશનર તાકીદે પગલાં ભરે તેવી માંગ શહેરના જાગૃત નાગરિકો કરી રહ્યા છે. 

Panchang

dd