ભુજ, તા. 27 : ગઇકાલે રાતે માંડવી તાલુકાના
ભેરૈયા પાટિયા નજીક બે ઊંટ ઝઘડતા-ઝઘડતા બાઇક સાથે ભટકાતાં બાઇકમાં મિત્ર સાથે જતા ગઢશીશાના
સામાજિક અગ્રણી 68 વર્ષીય રમેશભાઇ
શિવજી બ્રહ્મક્ષત્રિયને ગંભીર ઇજા થતાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થતાં ગઢશીશા પંથકમાં
શોકની લાગણી પ્રસરી હતી. આ ઉપરાંત બે દિવસ પહેલાં વાત્રાના બે ભાઇ બાઇકથી મોખાણાથી
મોડસર માર્ગે જતા હતા, ત્યારે ટ્રકે
ટક્કર મારતાં બાઇક પાછળ બેઠેલા 13 વર્ષીય નાના ભાઇ કાદર તાજમામદ જુણામાલા ઝુર્યાને ગંભીર ઇજા પહોંચતાં
તેનું આજે સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બીજીતરફ ગઇકાલે નલિયા ગામે કૂવામાંથી
કોસાના શખ્સ વેલજીભાઇ રામજીભાઇ કોલીની તરતી લાશ મળતાં ચકચાર પ્રસરી હતી. ગઢશીશાના અગ્રણીના
અકસ્માતમાં મોત અંગેના કરુણ બનાવ અંગે અમારા ગઢશીશાના પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત થયેલી
વિગતો મુજબ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા સામાજિક અગ્રણી અને ઇલેક્ટ્રિક ઉપકરણોની દુકાન
ધરાવતા રમેશભાઇ બ્રહ્મક્ષત્રિય ગઇકાલે રાતે તેમના મિત્ર સાથે ગઢશીશા બાજુ બાઇકથી આવી
રહ્યા હતા અને ભેરૈયા પાટિયા નજીક રાતે 9-30 વાગ્યે પહોંચ્યા ત્યારે બે ઊંટ ઝઘડતા-ઝઘડતા મુખ્ય માર્ગ પર અચાનક
આવી ચડયા હતા અને તેઓનાં બાઇક સાથે ભટકાતા રમેશભાઇને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, આથી પ્રથમ ગઢશીશા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે
ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં
મોડી રાતે તેમનું મોત થયું હતું, જ્યારે તેમની સાથેનાને ઓછી-વત્તી
ઇજા થઇ હતી. આ કરુણ બનાવની જાણ થતાં ગઢશીશા પંથકમાં શોકની લાગણી ફેલાઇ હતી. રમેશભાઇની
વિવિધ સામાજિક- સાર્વજનિક સંસ્થાઓમાં સક્રિય ભૂમિકા રહી હતી. સાર્વજનિક પાણી પુરવઠા
ટ્રસ્ટ, ગઢશીશા પદયાત્રિ સેવા કેમ્પમાં સતત સેવા આપતા હતા. ભુજ
તાલુકાના વાત્રાના પશુપાલક પરિવારના બે સગા ભાઇ હૈયાત (ઉ.વ. 20) અને કાદર તાજમામદ ઝુર્યા બાઇક
નં. જીજે-12-એએચ-6092વાળું લઇને ગત તા. 25-6ના સાંજે મોખાણા ગામેથી જતા
હતા અને મોડસર-જવાહરનગર રોડ પરના લક્ષ્મીનગર નજીક પહોંચ્યા હતા, ત્યારે પાછળથી ટ્રક નં. આરજે-01-જીડી-0709વાળીના ચાલકે જોરથી ટક્કર મારતાં
બાઇકચાલક હૈયાતને સામાન્ય છોલછામ તથા મૂઢ ઇજાઓ થઇ હતી, જ્યારે બાઇક પાછળ બેઠેલાના નાના ભાઇ કાદર ઉપર
ટ્રકનું ટાયર ફરી વળતાં ફ્રેક્ચર અને ડાબી બાજુ કમરથી સાથળ સુધી ચામડી ચીરાઇ જવાની
ગંભીર ઇજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હોવાની વિગતો ગઇકાલે પદ્ધર પોલીસ
મથકે ફરિયાદી હૈયાતે જાહેર કરાવી હતી. દરમ્યાન આજે સવારે સારવાર હેઠળના કાદરનું હોસ્પિટલના
બિછાને મૃત્યુ થયાની વિગતો જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાં નેંધાઇ છે. દરમ્યાન
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં દુધિયા હનુમાન મંદિર પાછળ આવેલા પાણીના કૂવામાંથી
ગઇકાલે બપોરે કોસા ગામના વેલજીભાઇ કોળીની તરતી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની વિગતો
તેના ભત્રીજાએ નલિયા પોલીસ મથકે જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.