નવી દિલ્હી, તા. 27 : ફિફા વિશ્વકપમાં
એક મોટો ઊલટફેર જોવા મળ્યો છે. જેમાં બે વખતની વિશ્વ ચેમ્પિયન ઉરૂગ્વેની સફર ગ્રુપ
સ્ટેજમાં જ પુરી થઈ છે. જ્યારે પહેલી વખત વિશ્વકપ રમી રહેલી કેપ વર્ડેની ટીમે ઈતિહાસ
રચતા નોકઆઉટમાં જગ્યા બનાવી છે. શનિવારે આયોજીત ગ્રુપ એચના નિર્ણાયક મુકાબલામાં સ્પેને
એલેક્સ બેનાના ગોલના કારણે ઉરૂગ્વેને 1-0થી હરાવ્યું હતું. આ હાર સાથે જ ઉરૂગ્વેની ટીમ નોકઆઉટની દોડમાંથી
બહાર થઈ હતી. બીજી તરફ કેપ વર્ડે અને સાઉદી અરબ વચ્ચે રમાયેલો મુકાબલો 0-0થી ડ્રો રહ્યો હતો. જેના પરિણામે
ટીમે ત્રણેય ગ્રુપ મેચ ડ્રો રમીને ત્રણ અંક સાથે ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું હતું.
અન્ય મુકાબલાની વાત કરવામાં આવે તો ફ્રાન્સ, સેનેટલ અને બેલ્જિયમે મોટી જીત નોંધાવી હતી. આ જીત સાથે ફ્રાન્સ ગ્રુપમાં શીર્ષ
સ્થાને રહ્યું છે તો સેનેગલે નોકઆઉટમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. ગ્રુપ જીમાંથી બેલ્જિયમ અને ઈજીપ્ત નોકઆઉટમાં પહોંચવામાં
સફળ રહ્યા છે. જ્યારે ઈરાન ત્રીજા નંબરે હોવા છતા નોકઆઉટની દોડમાં છે. સેનેગલ સામે
માત્ર જીત નહી પણ મોટા અંતરે જીતનો પડકાર હતો. ટીમે શરૂઆતી જ આક્રમક વલણ અપનાવ્યું
હતું અને ઈરાક સામે 5-0થી મોટી જીત
નોંધાવી હતી. કેપ વર્ડે અને સાઉદી અરબ વચ્ચે મુકાબલો ગોલ વિના ડ્રો થયો હતો.
ડ્રો છતા કેપ વર્ડે ત્રણ અંક સાથે બીજા ક્રમાંકે રહીને નોકઆઉટ માટે ક્વોલિફાઈ કરવામાં
સફળ રહી હતી. સ્પેને ગ્રુપ એચના મુકાબલામાં ઉરૂગ્વેને હરાવ્યું હતું. પહેલા હાફમાં
સ્પેન માટે એલેક્સ બેનાએ ગોલ કર્યો હતો અને 1-0થી બઢત અપાવી હતી. સ્પેન ગ્રુપ એચમાં 7 અંક સાથે શીર્ષ ઉપર રહીને નોકઆઉટમાં પહોંચ્યું
છે. જ્યારે ઉરૂગ્વે ત્રણમાંથી એક પણ મેચ જીતી શક્યું નથી. ઈજીપ્ત અને ઈરાન વચ્ચે ગ્રુપ જીનો મુકાબલો 1-1થી ડ્રો રહ્યો હતો. ઈજીપ્ત
આ રીતે ગ્રુપમાં બીજા સ્થાને રહીને નોકઆઉટમાં પહોંચ્યું હતું. ઈરાન ત્રીજા સ્થાને છે.
જો કે સફર હજી સમાપ્ત થઈ નથી. ત્રીજા સ્થાને રહેનારી શીર્ષ આઠ ટીમ આગામી રાઉન્ડમાં
પ્રવેશ કરી શકે છે અને ઈરાન આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. ગ્રુપ જીના અન્ય મુકાબલામાં બેલ્જિયમે ન્યુઝિલેન્ડને
5-1થી હરાવીને નોકઆઉટ માટે ક્વોલિફાઈ
કર્યું હતું. ગ્રુપ આઈના એક મુકાબલામાં ફ્રાન્સે નોર્વેને 4-1થી હરાવ્યું હતું અને અંતિમ-32માં જગ્યા નિશ્ચિત કરી હતી. ફ્રાન્સ તરફથી
ઉસ્માન ડેમ્બેલેએ પહેલા હાફમાં સાતમી, 20મી અને 32મી મિનિટે ગોલની શાનદાર હેટ્રીક કરી હતી.