ભુજ, તા. 27 : આજે શનિવારે સવારે 7 વાગ્યાથી વીજ સબસ્ટેશનની મરંમતનાં કારણે
શહેરના 10 ફીડર હેઠળ આવતા લગભગ અડધા ભુજમાં
બપોર સુધી વીજ પુરવઠો બંધ રહેતાં નાગરિકો આવી ગરમીમાં ઊકળી ઊઠયા હતા. શહેરના ઘણા એવા
લોકો હતા જે હજુ તો પથારીમાંથી ઊઠે એ પહેલાં જ લાઇટ બંધ થઇ જતાં ગરમીમાં પરેશાન થયા
હતા. સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેવાનાં કારણે
જાણવા પ્રયાસ કર્યો તો ગેટકો દ્વારા મરંમતનાં કારણે પાવર બંધ કરાયો હતો. ગેટકોના કાર્યપાલક
ઇજનેર શ્રી ત્રિવેદીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, મરંમત હેઠળ વીજળી બંધ રહેશે તેવી આગોતરી જાણ
કરવામાં આવી હતી. આજે સવારે 7થી 1 સુધી શહેરના
એ 66 કે.વી. સબસ્ટેશનની મરંમત કરવામાં
આવી હતી. તેમના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરના ચાર અલગ-અલગ સબસ્ટેશનની વર્ષમાં બે વખત
સુધારણા કરવામાં આવે છે, જે અંતર્ગત
વીજ પુરવઠો બંધ રાખવો પડે છે. પીજીવીસીએલ સંકુલમાં આવેલા આ પેટા વિભાગમાં બ્રેકર તથા
સ્વિચ યાર્ડની એકસાથે મરંમત કરવામાં આવી હતી. આ સબસ્ટેશન હેઠળ કેટલા ફીડરો બંધ કરાયા
હતા, આ સવાલ સામે તેમણે કહ્યું હતું કે, 14 ફીડર બપોર સુધી બંધ કરવામાં
આવ્યા હતા. એક વાગ્યા પછી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો. બંધ રહેલા વીજ
પુરવઠા દરમ્યાન પીજીવીસીએલ તરફથી જર્જરિત વીજ વાયર બદલવામાં આવ્યા હતા અને ચોમાસાંને
ધ્યાને લઇ વાયરોને અડતા વૃક્ષો પણ કાપવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું.