ભુજ, તા. 27 : કચ્છમાં એક તરફ મહત્તમ તાપમાનમાં
ઉતાર-ચડાવ વચ્ચે તાપ-ઉકળાટનો પ્રભાવ યથાવત્ રહ્યો છે. ગરમી-બફારાના આ માહોલ વચ્ચે જિલ્લાના
કેટલાક વિસ્તારમાં ઝરમર ઝાપટાં રૂપે વરસાદે પોતાની હાજરી પૂરાવી હતી. હવામાન વિભાગે
બે જુલાઇ બાદ કચ્છ સહિત રાજ્યમાં વરસાદનો વિસ્તાર વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. કંડલા
(એ.)માં પારો 40 ડિગ્રીએ પહોંચતાં અંજાર-ગાંધીધામ
વિસ્તારમાં ગરમીની અનુભૂતિ થઇ હતી. કંડલા પોર્ટમાં 39 ડિગ્ર્રીએ પહોંચેલા મહત્તમ પારાએ જનજીવનને બફારાથી બેહાલ કર્યા
હતા. જિલ્લા મથક ભુજમાં 38.2 ડિગ્રી તાપમાન
સાથે લૂ ઓકતા ઉની વાયરાએ શહેરીજનોને આકુળવ્યાકુળ કર્યા હતા. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં
ગરમી-ઉકળાટની સ્થિતિ વચ્ચે સવારના ભાગે મુંદરા શહેર ઉપરાંત બોઆ, પ્રાગપર, કારાઘોઘા સહિતનાં
ગામોમાં હળવાં ઝાપટાં રૂપે વરસાદે પોતાની હાજરી પૂરાવી હતી. નખત્રાણાના દનણા અને આસપાસનાં
ગામોમાં પણ પ્રિ- મોન્સૂન એક્ટિવિટી તળે ઝાપટું વરસ્યું હતું. હવામાન વિભાગે જારી કરેલી
સાત દિવસની આગાહીમાં પહેલી જુલાઇ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના દેખાડવામાં આવી
છે. બેથી ચાર જુલાઇ દરમ્યાન કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસે તેવી આગાહી કરવામાં
આવી છે. જુલાઇના પ્રથમ સપ્તાહ સુધી ચોમાસું કચ્છમાં બેસી જાય તેવી પ્રબળ શક્યતા જોવા
મળી રહી છે. આગામી દિવસોમાં કેટલીક સિસ્ટમ સક્રિય બનવાની સાથે વાતાવરણ વરસાદ માટે અનુકૂળ
બની રહ્યાનો હવામાન નિષ્ણાતો જણાવી રહ્યા છે ત્યારે રાજ્યની સાથે કચ્છમાં પણ વરસાદનું
આગમન થાય અને સાર્વત્રિક મેઘમહેર થાય તેવી આશા પ્રબળ બનતી દેખાઈ રહી છે.