છેલ્લાં થોડાંક વર્ષોમાં કફ સિરપને કારણે ભારતનાં વિવિધ રાજ્યોમાં
તથા ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં નિર્દોષ બાળકોનાં મોત થયા બાદ સરકારે નિર્ણય લીધો
છે કે, હવેથી ડોક્ટરના પ્રિક્રિપ્શન વિના કફ સિરપ નહીં
મળે. ગયાં વર્ષે ઓક્ટોબરમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ત્રણ-ચાર વર્ષની વયનાં 20 બાળકનાં મોત કફ સિરપ લેવાને
પગલે થયાં હતાં, તો 2022થી મધ્ય એશિયામાં કફ સિરપને
કારણે 140 બાળકના જીવ ગયાની નોંધ છે.
એ પહેલાં 2019માં જમ્મુ-કાશ્મીરમાં પણ 17 બાળકનાં મોતનું કારણ કફ સિરપ
બની હતી. આમ તો કોઈ પણ દવા ડોક્ટરની ભલામણ વિના લેવામાં આવે તો એ જોખમી કે જીવલેણ પૂરવાર
થઈ શકે છે, પણ કફ સિરપના કેટલાક ફોર્મ્યુલેશનને
દવા તરીકે ગણવામાં આવતા ન હોવાથી તે ડોક્ટરની ચિઠ્ઠી વિના વેચવામાં આવે છે. હવે આના
પર પ્રતિબંધ આવ્યો હોવા છતાં આ કાયમી ઉકેલ નથી. ગયાં વર્ષે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં
કફ સિરપના નમૂનાઓની તપાસ કરતાં તેમાં ડાયથેલીન ગ્લાયકોલનું (ડીઈજી) પ્રમાણ 48.6 ટકા હોવાનું સામે આવ્યું હતું.
ડીઈજીનું પરમિસિબલ પ્રમાણ કફ સિરપમાં માંડ 0.1 ટકા છે. આથી, ઝેર બની ગયેલી આ દવાને કારણે બાળકોનાં મોત થયાં હતાં અને આ બધાં જ બાળકોને
આ સિરપ ડોક્ટરે લખી આપેલા પ્રિક્રિપ્શનના આધારે જ અપાઈ હતી. સમસ્યા એ છે કે,
બાળકને શરદી-ખાંસી માટે ડોક્ટર સિરપ ન લખી આપે અને એકાદ-બે દિવસમાં તેની
પરિસ્થિતિમાં ફેર ન પડે તો અનેક માતા-પિતા ડોક્ટર બદલી નાખતા હોય છે. હવે ફેમિલી ડોક્ટર
સિવાયનો આ તબીબ કફ સિરપ લખી આપે છે અને બાળકને ફેર પડવાનો જ હતો અને એ પડયો એટલે માતા-પિતાને
મન કફ સિરપનો મહિમા વધી જાય છે. સામાન્ય લોકોની જેમ તબીબોમાં પણ ઓછું જ્ઞાન અને માહિતીનો
અભાવ જોવા મળે છે. બે વર્ષથી ઓછી વયનું બાળક ખાંસી બાદ કફનો ગળફો થૂંકી કે બહાર કાઢી
શકતું નથી. જાણકારીના અભાવે કેટલાક પીડિયાટ્રિશિયનો એમ્બ્રોક્સોલ કફ સિરપ લખી આપે છે.
આ દવા કફને તોડી બહાર કાઢવામાં મદદ કરે છે, પણ બાળક આ કફ બહાર
કાઢી શકે નહીં અને કફ ફેફસાંમાં જાય તો તેને ન્યુમોનિયા થવાનો ભય રહે છે. વળી,
દવા બનાવનારી કંપનીઓની બેદરકારી તથા રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે
દવાઓના નિયમન બાબતે સંકલનનો અભાવ પણ ગુણવત્તા બાબતે સમસ્યા સર્જે છે. કટોકટી સર્જાય
ત્યાર પછી પગલાં લેવાય એના કરતાં દર્દીની સલામતી માટે નિયમનકારી પગલાં વધુ દૂરગામી
અસર સર્જી શકે છે, એ સમજવા માટે હજી કેટલા નિર્દોષોના જીવ જાય
એની રાહ જોવાની છે?