• રવિવાર, 28 જૂન, 2026

મધ ઉદ્યોગ સંકટમાં : ઉત્પાદન હવે દુર્લભ બન્યું

રફીક ચાકી દ્વારા : કોટડા-ચકાર, તા. 27: આ પંથક જાંબુડી, બંદરા સહિતના વિસ્તારોમાં વર્ષોથી અનેક પરિવારો જંગલી મધ એકત્રિત કરીને જીવનનિર્વાહ કરતા આવ્યા છે. રખાલ અને જંગલ વિસ્તારોમાં કુદરતી રીતે મળતા મધપૂડાઓમાંથી મધ એકત્રિત કરીને લોકો બજારમાં વેચાણ કરતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ  પરંપરાગત  વ્યવસાય ગંભીર સંકટનો  સામનો  કરી રહ્યો છે. સ્થાનિક જાણકારોના જણાવ્યા મુજબ મોટી અને આક્રમક જાતની મધમાખીઓની સંખ્યા વધતા નાની મધમાખીઓના અસ્તિત્વ પર અસર પડી રહી છે. પરિણામે મધપૂડાઓની સંખ્યા સતત ઘટી રહી છે અને મધનું ઉત્પાદન પણ અગાઉની સરખામણીએ ઘણું ઓછું  થઈ  ગયું છે. જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા અનેક પરિવારો આર્થિક મુશ્કેલીઓનો  સામનો કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન પણ આ વ્યવસાયને ભારે ફટકો પડ્યો હતો. આજે પણ ઘણા પરિવારો તેની અસરમાંથી સંપૂર્ણપણે બહાર આવી શક્યા નથી. મધ એકત્રિત કરવા માટે લોકો ગરમીમાં આખો દિવસ વગડાઓ અને જંગલોમાં ભટકીને ભારે મહેનત કરે છે, છતાં અગાઉ જેટલું મધ મળતું નથી. સ્થાનિક મધ એકત્રિત કરનારાઓના જણાવ્યા મુજબ છેલ્લાં કેટલાક વર્ષોમાં પવનચક્કીઓની વધતી સંખ્યા તેમજ વનવગડામાં વૃક્ષોનું પ્રમાણ ઘટતાં મધમાખીઓના કુદરતી વસવાટ અને ખોરાકના સ્ત્રોતો પર અસર પડી છે. પરિણામે મધનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે. ભારે મહેનત બાદ પણ અગાઉની સરખામણીએ ખૂબ ઓછી માત્રામાં મધ મળી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ જંગલ વિસ્તારોમાંથી ભારે મહેનત અને જોખમ વચ્ચે મધ એકત્રિત કર્યા બાદ પણ તેમને તેના યોગ્ય ભાવ મળતા નથી. ઘણી જગ્યાએ નિગમો અથવા વેપારીઓ દ્વારા માત્ર રૂ. 130થી 180 પ્રતિ કિલો જેટલો ભાવ ચૂકવવામાં આવે છે, જે તેમની મહેનત અને ખર્ચની સરખામણીએ ખૂબ ઓછો હોવાનું તેઓ જણાવે છે. બીજી તરફ બજારમાં ફિલ્ટર કરેલી અને બ્રાન્ડેડ મધ રૂ. 400થી 800 પ્રતિ કિલો અથવા તેથી વધુ ભાવે જોવા મળે છે. પરિણામે ઉત્પાદકોને મળતા ભાવ અને બજારના વેચાણ ભાવ વચ્ચે મોટો તફાવત સર્જાયો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોટડા-ચકાર પંથકમાં હાલ જંગલી મધનું ઉત્પાદન એટલું ઘટી ગયું છે કે રૂ. 500 પ્રતિ કિલોના ભાવે પણ પૂરતી માત્રામાં મધ મળવું મુશ્કેલ છે. એક સમય એવો હતો જ્યારે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પરિવારો મધ એકત્રિત કરીને જીવનનિર્વાહ કરતા હતા, પરંતુ આજે ઘટતું ઉત્પાદન, ઓછી આવક અને યોગ્ય બજાર વ્યવસ્થાના અભાવે અનેક લોકો આ વ્યવસાય છોડીને અન્ય રોજગાર તરફ વળી રહ્યા છે.  

Panchang

dd