• બુધવાર, 15 એપ્રિલ, 2026

હોર્મુઝ ખાડી ખોલવા ટ્રમ્પ-મોદીની વાતચીત

નવી દિલ્હી, તા. 14 : મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ વચ્ચે મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની ટેલિફોનિક વાતચીત થઈ હતી, જેમાં મધ્ય પૂર્વની પરિસ્થિતિ અને ભારત-અમેરિકા વેપાર સંબંધો પર ચર્ચા થઈ હતી. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી બંને નેતાઓ વચ્ચે આ પહેલી વાતચીત હતી. એક મીડિયા હેવાલ મુજબ, મોદીએ જણાવ્યું હતું કે, તેમની વાતચીત દરમિયાન, બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ તેમના મજબૂત સંબંધોને વધુ મજબૂત બનાવવા અને તમામ ક્ષેત્રોમાં સહયોગ ચાલુ રાખવા માગે છે. બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી હતી અને હોર્મુઝ ખાડી ખુલ્લી રાખવા અને સુરક્ષિત રાખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. આ માર્ગ વિશ્વ માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે તેલ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો વહન કરે છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરના જણાવ્યા અનુસાર, વાતચીત દરમિયાન ટ્રમ્પે મોદીને કહ્યું, અમે બધા તમને ખૂબ પસંદ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે ભારત-અમેરિકા સંબંધો હાલમાં મજબૂત સ્થિતિમાં છે. નોંધનીય છે કે, બંને નેતાઓએ અગાઉ 2 ફેબ્રુઆરી અને 24 માર્ચે વાતચીત કરી હતી. તે દરમિયાન વેપાર અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. મોદીએ અગાઉની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ભારત તણાવ ઓછો કરવા અને શાંતિ પુન: સ્થાપનને સમર્થન આપે છે. ઉલ્લેખનીય છે કે, આ વાતચીત વર્તમાન પરિસ્થિતિમાં અગત્યની માનવામાં આવે છે. કારણ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ 47 વર્ષ પછી પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં સામ-સામે વાતચીત થઈ હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ મળ્યું ન હતું. આ પછી, ટ્રમ્પે ઈરાનના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોની નાકાબંધીની જાહેરાત કરી હતી.  

Panchang

dd