• બુધવાર, 15 એપ્રિલ, 2026

`સેવા' કરવા ચૂંટાવવું હોય તો ટિકિટ માટે પડાપડી શા માટે ?

ભુજ, તા. 14 : અત્યારે સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જંગ જામ્યો છે. આ એક એવી પ્રક્રિયા છે, જેમાં ચૂંટાતા પ્રતિનિધિઓ ગ્રામ્ય કે શહેરમાં સામાન્ય નાગરિકોનાં ઘર-ફળિયા કે શેરીની સમસ્યાથી વાકેફ હોય ને તે પ્રશ્નો હલ કરવાના હોય છે, પરંતુ ચૂંટણી લડવા ઈચ્છતા દાવેદારો જ્યારે ટિકિટ માગવા દાવો કરે છે ત્યારે કહે છે કે, અમને `સેવા' કરવી છે. જો તેઓને સેવા કરવી હોય તો એક સામાન્ય ટિકિટ માટે આટલી પડાપડી શા માટે. એક-એક બેઠક ઉપર 10થી 12 જણ મેદાનમાં ઊતરતા હોય છે `સેવા' માટે. ચૂંટણી માહોલ વચ્ચે જાગૃત નાગરિકો સવાલ કરી રહ્યા છે કે, સાચા અર્થમા સેવા કરવી હોય તો રાજકારણમાં આવવું જરૂરી છે ? અથવા કોઈ પદ ઉપર ચૂંટાયા બાદ જ સેવા કરી શકાય? હવે સમય ખરેખર બદલાઈ ગયો છે. ટેકનોલોજીનો જમાનો છે એટલે એક વખત ચૂંટાયા પછી પદાધિકારીઓ શું કરી રહ્યા છે તેના પર કદાચ માણસની નજર તો હોય છે, પણ ત્રીજી આંખરૂપી આ સોશિયલ મીડિયાની નજર હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ને બેઠકોનું સીમાંકન સામે આવતાં જ અનેક આવા સેવાભાવીઓ બહાર આવી ગયા કેમ કે, રાજકીય પક્ષોએ  ઉમેદવારી કરવા જ્યારે દાવેદારો પોતાનો અભિપ્રાય આપવા મોટી દોડ લગાવતા હોય છે. થોડા સમય પહેલાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ત્યારે બેઠકદીઠ 10થી 12 દાવેદારોએ પોતાના દાવા `સેવા' કરવા માટે રજૂ કર્યા હતા. કચ્છમાં મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત, નગરપાલિકા મળીને 448 બેઠકો પર ચૂંટણી થવા જઈ રહી છે અને આ બેઠકો પર મુખ્ય બે રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસમાં અંદાજે 8 હજારથી વધારે દાવેદારોએ પોતાના દાવા રજૂ કરવા પડાપડી કરી ચૂક્યા હતા. ભલે રાજકીય પક્ષો એક જ વ્યક્તિને ટિકિટ ફાળવતા હોય છે. - સેવાની વાત ખોટી : ખરેખર સેવા કરવા માટે ટિકિટો માગવામાં આવે છે. આ મુદ્દે વેપારી અને કડવા પાટીદાર સમાજના મોભી હંસરાજભાઈ ધોળુને પૂછતાં તેમણે એક જ શબ્દમાં કહ્યું કે, સેવા કરવાની વાત સાવ ખોટી છે. પોતાને મોટા થવા હોદ્દા લેવા માટે જ ટિકિટ મેળવવા પડાપડી થતી હોય છે. એક વખત ચૂંટાઈ ગયા પછીની સ્થિતિ સૌ કોઈ જાણે છે. કોઈ પણ પક્ષના હોય કોઈનું કંઈ ચાલતું નથી. પોતાના કામ પણ કઢાવી નથી શક્તાં એ સામાન્ય નાગરિકોના કામ કેમ કરાવી શકે. - વગર હોદ્દે સેવા કરો : ખરેખર જો સેવા કરવી હોય તો પદ કે ચૂંટણી લડયા વગર અનેક લોકો જે સાચા અર્થમાં સેવા કરે છે તેઓની જેમ સેવા કરી શકે. શરૂઆત પોતાના ઘર કે ફળિયાથી થાય તો નાગરિકો પોતે તમને સ્વીકારશે એવો મત શ્રી ધોળુએ વ્યક્ત કર્યો હતો. - જીવનધોરણ બદલાય : ટિકિટ લેવાવાળાની પહેલાં અને ચૂંટાયા પછી થોડા સમયમાં જીવનધોરણ કેવું બદલાઈ જાય છે એ આપણે સૌની આંખોની સામે હોય છે. અત્યારે સાચા કામ કોઈના થતાં નથી. તેમણે ભુજના કૃષ્ણાજી પુલ હોય કે ભુજોડી પુલ અને ભુજ ભીમાસરના મહત્ત્વાકાંક્ષી માર્ગના ચાલતા કામના દાખલા આપ્યા હતા. હા, ક્યાંક અપવાદે સારા માણસો પણ રાજકારણમાં હોય છે, પણ આવા સાચા અને સારા નેતાઓ હંમેશાં સાઈડમાં રહેતા હોય છે જે દેખાય છે એમ અંતમાં તેમણે જણાવ્યું હતું. - મહત્ત્વાકાંક્ષા હોય છે : ભુજ નાગર જ્ઞાતિના પ્રમુખ અતુલભાઈ મહેતાએ કહ્યું કે, સેવા કરવાવાળા બહુ ઓછા હોય છે. સૌ કોઈ જાણે છે સેવાનું નામ આપવામાં આવે છે, આજે મતદારો કે નાગરિકો વધુ સમજુ છે અને છેલ્લે સુધી ચૂંટણીમાં પણ કોઈને કળ આપતા નથી, તો આવા નાગરિકો સમજે બધું છે કે સેવાનાં નામે આપણા મત લઈ જાય છે, પછી દેખાતા નથી, આજે સામાન્ય નાગરિકોને રાશનકાર્ડ બનાવવા, નામ દાખલ કરવા કે પોતાના ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ બનાવવા લાઈનોમાં ઊભા રહેવું પડે છે ત્યારે આ સેવાભાવીઓ ક્યાં જાય છે. - એ જ મતદારો લાઈનમાં : આમ આદમી પોતાના હક્ક માટે લાઈનમાં જ ઊભો હોય છે. બધું ઓનલાઈન છે, તો ખરેખર ચૂંટાયેલા પદાધિકારીઓની ફરજ છે કે, અભણ લોકોની મદદે આવે પણ માત્ર પોતાની મહત્ત્વાકાંક્ષા, લાલસા પૂરી કરે છે. સાચી સેવા કરવી હોય તો અનેક રસ્તા છે. હોદ્દા વગર જે સેવા કરે છે તેમની પાસેથી પાઠ લેવાની જરૂર છે, તેવો તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. - ગ્રામ્યસ્તરે બળાપો : સેવાની વાતથી માત્ર શહેરી લોકો અકળાયેલા નથી, ગ્રામ્ય સ્તરે પણ બળાપો છે. 78 વર્ષીય નિવૃત્ત કર્મચારી એવા અંતરિયાળ અબડાસાના નારાણપર ગામના દિલુભા જાડેજાએ સ્પષ્ટ કહ્યું સેવાનાં નામે ક્યાંક લૂંટવાવાળા વધે છે. - કોઈ સાંભળતું નથી : આટલી મોંઘવારી વધે છે. નાના ગરીબ ગામડાંના લોકોના કામો થતાં નથી, છતાં કોઈ સાંભળતું નથી. અમે એક નાનાં ગામડાંમાં રહીએ છીએ. અત્યારે રાંધણગેસની અછત છે. અમને બાટલા નથી મળતા. કોઈ દાદ નથી આપતું. નેતા હોય કે સ્થાનિક મામલતદાર સૌ હાથ ઊંચા કરે છે પછી ક્યાંની સેવા? આવા સમયે નાગરિકોની તકલીફ દૂર કરવા ચૂંટાયેલાઓએ તમામ પ્રયાસ કરવા જોઈએ. બસ મત માગવા આવશે. ખરેખર 1947 જેવી ક્રાંતિની દેશમાં જરૂર છે. હું કોઈ પક્ષ ઉપર આક્ષેપ નથી કરતો, બધા પક્ષના ચૂંટાયેલાં કામ નથી કરતાં એ હકીકત છે. - ભેદભાવ શા માટે : નાગરિકો જાગે અને એવા લોકો ચૂંટે જે લોકોની વચ્ચે બેસીને ઉકેલ લાવી શકે. પોતે એસટી બસમાં 30 વર્ષ ડ્રાઈવર હતા. અમારી સાથે ચૂંટાયેલા ધારાસભ્ય જેવા નેતા એસ.ટી. બસોમાં પ્રવાસ કરતા હતા. અમને 30 વર્ષની નોકરી પછી 1800 પેન્શન ને નેતા ચૂંટાય તો લાખો રૂપિયા આ ભેદભાવ શા માટે. બદલાવ જરૂરી છે, આમ તો રોડ ઉપર નીકળીએ તો ટોલટેક્સ ભરી થાકી જઈએ, ગાડી લઈએ તો રોડટેક્સ શા માટે ? કોઈ બોલે છે ? નહીં, છતાં આમ આદમી બેવડો માર ખાય છે. સેવા શબ્દ વાપરનારાનું સાંભળીને દુ:ખ થાય છે હવે આ ઉમરે તેવું દિલુભાએ જણાવ્યું હતું. 

Panchang

dd